જામનગર, તા.૮
ચૂંટણી આવે એટલે ભલે ઘોંઘાટ વધી જતો હોય અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને સફળતાઓ-નિષ્ફળતાઓની ચર્ચા વ્યાપક બનતી હોય, પરંતુ આ જ દેકારા, આક્ષેપો, ચર્ચાઓ અને દાવાઓ સાંભળીને જ લોકોને પોતાની પસંદગી નિર્ધારીત કરવામાં સરળતા થતી હોય છે, તેમ કહેવું અયથાર્થ નથી.
જામનગરમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને ભાજપના વર્તમાન સંસદ પૂનમબેન માડમની સામે કોંગ્રેસે મુળુભાઈ કંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે વર્ષ ર૦૧૪ ની લોકસભા ચૂંટણી સમયે કેવી સ્થિતિ હતી, તેના પર દૃષ્ટિપાત કરવું રસપ્રદ રહેશે.
વર્ષ ર૦૧૪માં જામનગરની સંસદીય બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમની સામે કોંગ્રેસના વિક્રમભાઈ માડમ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો અને કાકા-ભત્રીજી વચ્ચેનો ચૂંટણી જંગ ભારે રસપ્રદ અને ચર્ચાસ્પદ પણ રહ્યો હતો.
જામનગરની બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ, અન્ય રાજકીય પક્ષો અને અન્ય અપક્ષોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જો કે, એકાદ અપક્ષ ઉમેદવારે પાછળથી મુખ્ય રાજકીય પક્ષને ટેકો જાહેર કરીને ખસી જવાનું એલાન પણ કર્યું હતું. પરંતુ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ પછી જો આવી જાહેરાત થાય, તો પણ તેનું નામ બેલેટ પેપરમાં રહેતું જ હોય છે, તેથી તેના નામે પણ મતો પડતા હોય છે, તેથી વર્ષ ર૦૧૪માં જામનગરની લોકસભા ચૂંટણીમાં રપ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.
કોંગ્રેસ અને ભાજપના બે મુખ્ય ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા તે ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના સમા યુસુફ, આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ ઝાલા, રાષ્ટ્રીય કોમી એક્તા પાર્ટીના કાસમભાઈ અને સમાજવાદી પાર્ટીના સૈયદ અબુબકર એમ ચાર માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ રિપ. પાર્ટી (ગવાઈ)ના ઉમેદવાર મેદાનમાં હતા. બાકીના ઉમેદવારો અપક્ષ હતા, જેઓ ‘વોટકટર’ સિદ્ધ થયા હતા અને એકંદરે ૪૦થી ૪પ હજાર મતો લઈ ગયા હતા. તે ઉપરાંત ‘નોટા’માં પણ ૬પ૮૮ મતો પડ્યા હતા.
જામનગરમાં વર્ષ ર૦૧૪માં લોકસભાની બેઠક માટે ભરાયેલા રપ ફોર્મ પૈકી ૧૧ મુસ્લિમ સમાજના ઉમેદવારો હતા.
વર્ષ ર૦૧૪માં જામનગરની બેઠક પરથી બે મહિલા ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું, એમાં ભાજપના પૂનમબેન માડમ અને હંસાબેન સુથારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
વર્ષ ર૦૧૪માં દેશભરમાં મોદી લહેર હતી અને તેના કારણે ગુજરાતની તમામ બેઠકો ભાજપે જીતી લીધી હતી. જામનગરમાં પણ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ સામે લગભગ પોણાબે લાખ જેવી સરસાઈ સાથે જીત્યા હતા.
વર્ષ ર૦૧૪માં ભાજપના પૂનમબેન માડમને ૪,૮૪,૪૧ર મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના વિક્રમભાઈ માડમને ૩,૦૯,૧ર૩ મતો મળ્યા હતા.
ચાર અન્ય રાજકીય પક્ષોના મતો જોઈએ તો બસપાના યુસુફ સમાને ૮ર૩૪ મતો, રાષ્ટ્રીય કોમી એક્તા પાર્ટીના કાસમભાઈને ૧રપ૪, આમ આદમી પાર્ટીના રાજેન્દ્રસિંહ ઝાલાને ૪૯૧૧ અને અબુબકર સૈયદને ૯૪૦ મતો મળ્યા હતા. તે ઉપરાંત અન્ય શ્રેણીમાં રિપ. પાર્ટીના લાલજી પઢિયારને ૧૧૮૮ મતો મળ્યા હતા.
અપક્ષો પૈકી મામદ હાજી બેલીમને ૮પ૯૬, રફીક મેમણને પ૮૧૧, અલી ઈશાક પાલાણીને ૩૯૪૬ અને ચિરાગ પંડ્યાએ ૧પ૪૧ મતો મળ્યા હતા. બાકીના તમામ અપક્ષ ઉમેદવારોને ૧પ૦૦થી ઓછા મતો મળ્યા હતા. જો કે, નોટામાં ૬પ૮૮ મતો ગયા હતા. કુલ ૮,પર,૯૮૯ માન્ય મતો પૈકી ૩પ૮૮ પોસ્ટલ મતો હતા.
મુખ્ય બંને ઉમેદવારોને વર્ષ ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મળેલા મતોને વિધાનસભા મત વિસ્તાર જોઈએ તો ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાંથી વિક્રમભાઈને ૪ર,૩૬૪ મતો મળ્યા હતા, જ્યારે પૂનમબેન માડમને ૬પ,૬૬૯ મતો મળ્યા હતા. ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતવિસ્તારમાંથી વિક્રમભાઈને ૪૪,૬૦૬ અને પૂનમબેનમને ૬૯,ર૩૯ મતો મળ્યા હતાં. ૭૮-જામનગર (ઉત્તર)માંથી વિક્રમભાઈ માડમને ૪૦,૭૩૩ અને પૂનમબેન માડમને ૭૧,૮ર૮ મતો મળ્યા હતા. ૭૯-જામનગર (દક્ષિણ)માંથી વિક્રમભાઈને ૩૯,૬૦૯ અને પૂનમબેનને ૭૬,૮પ૪ મતો મળ્યા હતા. ૮૦-જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાંથી વિક્રમભાઈને ૪૧,૪૯પ અને પૂનમબેનને પ૯,૪ર૭ મતો મળ્યા હતા. ૮૧-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાંથી વિક્રમભાઈને પર,૪૪૭ અને પૂનમબેન માડમને ૭૧,૩૪૯ મતો મળ્યા હતા. ૮ર-દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાંથી વિક્રભાઈને ૪૬,૧૩ર અને પૂનબેન માડમને ૬૮,૮૦પ મતો મળ્યા હતા. જ્યારે પોસ્ટલ મતોમાંથી વિક્રમભાઈને ૧ર૮૭ અને પૂનમબેનને ૧૯૬૧ મતો મળ્યા હતા.
હવે વર્ષ ર૦૧૯ના ચૂંટણી જંગમાં પણ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ મુખ્ય સ્પર્ધા થશે, તેમ જણાય છે.