(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે શેરીમાંથી બાઈક ધીમું ચલાવવાની બાબતનો ઠપકો આપનાર વૃદ્ધને ભાઈ-ભત્રીજાઓએ મારમાર્યો હતો. આ વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ નથુભાઈ માંજુશા (ઉ.વ.૬પ) નામના કોળી વૃદ્ધે ત્રણ દિવસ પહેલાં પોતાની શેરીમાંથી પૂરઝડપે મોટરસાઈકલ લઈને નીકળતા સગા નાનાભાઈ સુભાષ નથુભાઈ (ઉ.વ.પ૦) તથા તેમના પુત્ર કરણ અને અર્જુનને શેરીમાં મોટરસાઈકલ ધીમું ચલાવવાનું કહ્યું હતું. આ બાબતે બોલાચાલી થયા પછી સુભાષભાઈ તેમજ કરણ-અર્જુને મોટાબાપુ ગોવિંદભાઈ પર લાકડી-પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા ગોવિંદભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે. આથી આ બનાવ હત્યામાં પલટાયો છે. અગાઉ પોલીસે હુમલાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો જેમાં હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.