જામનગર, તા.૧૯
જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના કાર્યપાલક ઈજનેરની ભરતીની કમિશનરની દરખાસ્ત અન્વયે વિરોધપક્ષના જબરા વિરોધી વચ્ચે બહુમતિના ધોરણે આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને અમીત કણસાગરાને જૂનિયર ઈજનેરમાંથી ડેપ્યુટી ઈજનેરના બદલે સીધા જ કાર્યપાલક ઈજનેર બનાવી દેવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર હસમુખ જેઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ડેપ્યુટી મેયર કરશન કરમુર, ઈન્ચાર્જ ડીએમસી મુકેશ કુંભારણા ઉપરાંત કોર્પોરેટરો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર લાલપુર માર્ગે અરજદાર લીલાવંતીબેન કંડોરિયાને જમીન ફાળવવાની દરખાસ્ત મંજૂર રાખવામાં આવી હતી. આ દરખાસ્ત અન્વયે ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, કન્સલટન્ટ અને ડીઆરએલ દ્વારા તૈયાર કરાયેલ માપણી સીટ અલગ-અલગ હોવાથી અન્યની જમીનમાં બાંધકામ થયું હતું. તેમાં સરકારી અધિકારીનો કોઈ વાંક-ગુનો નથી. આ કેઈસમાં કન્સલટન્ટને ૧૧ લાખની પેન્લટી કરવામાં આવી છે. તેના બદલે ૨૫ લાખની કરવી જોઈએ.
વિપક્ષના કોર્પોરેટર અસ્લમ ખીલજીએ દરખાસ્ત હરિયાળી બોલતા જણાવ્યું હતું કે, ટ્રી ગાડ આપવામાં આવતા નથી તો શહેરને હરિયાળુ કેવી રીતે બનાવશો ? તો કોર્પોરેટર દેવસી આહિરે લોક મેળામાં જાનહાનિના અકસ્માત ન બને અને અવ્યવસ્થાઓ સર્જાઈ નહીં તે બાબતે તકેદારી રાખવા જણાવ્યું હતું. તેમાં આનંદ રાઠોડએ પણ સુર પુરાવ્યો હતો.
ભૂગર્ભ ગટર શાખાના કાર્યપાલક ઈજનેરની ભરતી માટે અમીત કણસાગરાની દરખાસ્ત અન્વયે ગૃહમાં ભારે ચર્ચાઓ ચાલી હતી.
આનંદ ગોહિલે જણાવ્યું કે જુનિયરમાંથી સીધા કાર્યપાલક ઈજનેર બનાવી શકાય ખરા ?
તેમણે વધુમાં કહ્યું હતું કે, મહાનગરપાલિકાના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ ભરતી થઈ રહી છે. આ પ્રકરણમાં વહીવટ સેટીંગનો તેમણે સીધો ગંભીર આક્ષેપ કર્યો હતો.
તો જેનબબેન ખફીએ આ ભરતીમાં વ્યક્તિને ધ્યાને રાખી ફોક્સ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. તેમણે પણ એક જ વ્યક્તિને લાભ આપવાનો સીધો આક્ષેપ કર્યો હતો. આનંદ રાઠોડએ તો એવો આક્ષેપ કર્યો હતો કે, અમીત કણસાગરાનો અ.મ.ઈ.ની પરીક્ષામાં ફેઈલ થયા હતા.
મેયરની સૂચનાથી ૫ત્રકારોમાં રોષ
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં કેમેરામેનને મેયર દ્વારા બે-ત્રણ વખત ટકોર કરી લાઈવ પ્રસારણ કરવું નથી. શાંતિથી બેસી જાવ તેવી સૂચના આપતા પત્રકારો વોકઆઉટ કરી ગયા હતા. આખરે વિપક્ષના નેતા અલ્તાફ ખફીની દરમિયાનગીરી પછી પત્રકારોએ ગૃહમાં પુનઃ પ્રવેશ કર્યો હતો.