જામનગર, તા.૧૧
જામનગરમાં બેડી બંદર રોડ પર જંકશન પાસે સરકારી જગ્યામાં એક મોટી કેબીન તથા એક ઓરડી સહિતનું બાંધકામ ખડકી દેવાયું હતું. જે બાંધકામને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું, અને રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક અસરથી ડામર રોડ બનાવી દેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગરના બેડી બંદર રોડ પર જંકશન પાસે એક આસામી દ્વારા એક મોટી કેબીન ખડકી દેવામાં આવી હતી, સાથોસાથ બાજુમાં ઓરડી પણ બનાવી લેવામાં આવી હતી. જે બાંધકામ લોકડાઉન પહેલા અગાઉ દુર કરાયું હતું, પરંતુ ફરીથી જગ્યા પર દબાણ કરી દેવાયું હતું. ઉપરોકત સ્થળે જામનગર મહાનગરપાલિકા દ્વારા સર્કલ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જામ્યુકોની દબાણ હટાવ ની ટીમે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી, અને કેબીન તથા ઓરડી સહિતનું બાંધકામ ખુલ્લુ કરી દબાણ હટાવી લેવાયું હતું. ઉપરાંત તે સ્થળે જેસીબી ની મદદથી જમીન સમથળ કરી લેવામાં આવી છે, અને ત્યાં ડામર રોડ પણ બનાવવાનો શરૂ કરી દેવાયો છે.