જામનગર, તા.૧૧
જામનગર શહેરમાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તેલના નમૂનાઓને ચકાસવા માટે સમગ્ર શહેરના જુદા-જુદા ૩૨ જેટલા સ્થળોએ દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ શાખા દ્વારા ડીએસપી બંગલા પાસે સોન હલવા હાઉસ, ઉપરાંત ત્રણબત્તી વિસ્તારમાં આવેલી ઈન્ડિયા સ્વીટ માર્ટ, જુલેલાલ સ્વીટ, શ્રી સાંઈનાથ નાસ્તા ભુવન, આસનદાસ સ્વીટ માર્ટ, લક્ષ્મી હોટલ એન્ડ નાસ્તા ભુવન, ગોર ફરસાણ માર્ટ, વગેરેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં સાંઈનાથ નાસ્તા ભવનમાં બે કિલો જેટલું બળેલુ તેલ દેખાયું હતું. જે બે કિલો તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તે જ રીતે આસનદાસ સ્વીટ માર્ટમાંથી ૧૫ કિલો બળેલા તેલનો નાશ કરાયો હતો. આશાપુરા પાન હાઉસમાંથી પાંચ કિલો બળેલો તેલ મળ્યું હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ખંભાળિયા ગેટ પાસે ચામુંડા નાસ્તા ભવનમાં ચેકિંગ હાથ ધરી ૧૦ કિલો તેલનો નાશ કરાયો હતો. આર્ય સમાજ સ્કૂલ નજીક ફિરોજભાઈ ચાઈનીઝ વાળાને ત્યાંથી ૧૫ કિલો કલર યુક્ત લોટ અને ૧૦ કિલો ચાઈનીઝ મનચુરિયનનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે તે જ વિસ્તારમાંથી જલારામ નમકીનમાંથી વીસ કિલો તેલનો સ્થળ પર નાશ કરાયો હતો. આ ઉપરાંત પવનચક્કી વિસ્તારમાં હવેલી આશાપુરા નાસ્તા ભવન નામની દુકાનમાંથી બે કિલો તેલનો નાશ કરાયો હતો. દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસે આવેલી કિરીટ હોટલમાંથી ૧૦ કિલો તેલનો સ્થળ પર નાશ કરાયો હતો. જ્યારે રાજ ફરસાણમાંથી પાંચ કિલો, કિરીટ નાસ્તા સેન્ટરમાંથી ૧૫ કિલો અને શિવહરી અલ્પાહાર શિવ લહેરી અલ્પાહારમાંથી એક કિલો તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પટેલ સમાજ રોડ પર સુરજ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ૨૦ કિલો તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. બજરંગ ફરસાણમાંથી ૨૦ કિલો તેલનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.