(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧પ
જામનગરમાં અલગ-અલગ સ્થળે ચાલતી મનોરંજક રાઈડસ બાબતે મેયર દ્વારા સંબંધિત વિભાગને ચેકીંગ માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં એક રાઈડ તૂટી પડતા બે વ્યક્તિના મૃત્યુ થયા હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતાં. આ પછી રાબેતા મુજબ સરકારી તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે, અને પગલા લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાં કમિશ્નરે તમામ રાઈડઝને બંધ કરવાનો આદેશ કર્યો છે. જ્યારે જામનગરમાં મેયર હસુમખ જેઠવાએ સંબંધિત વિભાગને આ મુદ્દે તપાસ કરવા સૂચના આપી છે. જો કે, જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી અને એકબીજા વિભાગોને ખો આપવાનું શરૂ કર્યુ છે.
જો કે, આમ પણ જામનગર મનપાના અધિકારીઓ કડક નિર્ણયમાં હંમેશાં ઢીલા પડે છે અથવા અન્ય બનાવ બને પછી તેની નકલ કરે છે, પરંતુ નિયમ મુજબ કદી કામગીરી કરતા નથી. સુરતની ટયુશન ક્લાસની ઘટના પછી જામનગરનું ફાયર તંત્ર સફાળું બેઠું થયું, પરંતુ થોડા જ દિવસમાં શાંતિ ધારણ કરી લીધી. ગઈકાલે અમદાવાદમાં મનોરંજક રાઈડ તૂટી, અને બે વ્યક્તિના મૃત્યુ થયા, ત્યારે જામનગરના મેયરે પણ જામનગરમાં રાઈડ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.