(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૪
જામનગર એલસીબીએ પૂર્વબાતમીના આધારે ત્રણ શખ્સને ગિરફતમાં લઈ પૂછપરછ કરતા આ શખ્સોએ ધોરાજી, નડિયાદ તેમજ મહારાષ્ટ્રના સાત સ્થળોએ વેપારીઓની નજર ચૂકાવી ટેબલના કાઉન્ટરમાંથી અંદાજે રૂા. પાંચ લાખની રોકડ તફડાવ્યાની કબૂલાત આપી છે તેમજ અન્ય ત્રણ સાગરિતના નામ ઓકી નાખ્યા છે.
જામનગરની ગુનો શોધક શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના ફીરોઝભાઈ દલ, એન.બી. જાડેજા, વનરાજ મકવાણાને બાતમી મળી હતી કે, કેટલીક ચોરીઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સ મોટરમાં કાલાવડનાકા બહારના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. તે બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી સ્ટાફને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં મહાપ્રભુજી બેઠર રોડ પરથી એક મોટર પસાર થતા તેના રોકાવી એલસીબીએ તલાશી લેતા તેમાંથી ખોજાવાડમાં રહેતો અક્રમ ગફારભાઈ ઓડિયા, ઈમરાન મજીદભાઈ દરજાદા તથા રિઝવાન અયુબભાઈ ડોચકી નામના ત્રણ શખ્સ રૂા. ૭૦ હજારની રોકડ તથા ૩ મોબાઈલ સાથે મળી આવ્યા હતા. તે તમામને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા આ શખ્સોને છેલ્લા અઢી વર્ષમાં જુદા-જુદા નવ સ્થળેથી ચોરી કર્યાની અને ખાસ કરીને દુકાનદારની નજર ચૂકવી કાઉન્ટરના ખાનામાંથી પૈસા તફડાવ્યાની કબૂલાત આપી છે. એલસીબી સમક્ષ પોપટ બની ગયેલા ત્રણેય શખ્સોએ કબૂલ્યા મુજબ ઈમરાન મજીદ તેમજ રિઝવાન અને આફ્રીદી કાદરભાઈ માડકીયાએ અઢી વર્ષ પહેલા ધોરાજીમાં સ્ટેશન રોડ પર જંતુનાશક દવાની એક દુકાનમાંથી રૂા. ૭૯ હજાર અને કાગળોની ચોરી કરવા ઉપરાંત બે મહિના પહેલા નડિયાદમાં રિઝવાન, અક્રમ, ઈમરાન તથા અસરફ અબ્દુલરજાક સેતાએ હાર્ડવેરની એક દુકાનમાંથી રૂા. સવા બે લાખની રોકડની ચોરી, મુંબઈના ભીવંડીમાં રેલવે સ્ટેશન રોડ પર કલરની એક દુકાનમાંથી રૂા. ૩૧ હજારની રોકડની ચોરી, મુંબઈના મીરા રોડ પર કટલેરીની એક દુકાનમાંથી રૂા. સાડા સાત હજારની રોકડ, મુંબઈના મસ્જિદ બંદર રોડ પર એક દુકાનના કાઉન્ટરમાંથી રૂા. ૨૬,૫૦૦ની તફડંચી કર્યાની કબૂલાત આપી છે.
તદ્દઉપરાંત વીસેક દિવસ પહેલા રિઝવાન ડોચકી, ઈમરાન મકરાણી, અસરફ સેતા અને શકીલ વલીમામદ પીઠડીયાએ નવસારીથી આગળ ચીખલી ધોરીમાર્ગ પર એક દુકાનમાં ખાનામાંથી રૂા. ૬૨ હજાર રોકડા ચોર્યાની, મહારાષ્ટ્રના માલેગાંવમાં ફરસાણની દુકાનમાંથી રૂા. ૩૦ હજારની રોકડ ઉઠાવ્યાની, મહારાષ્ટ્રના ધુલીયામાં સાબુની દુકાનમાં કાઉન્ટરના ખાનામાંથી રૂા. ૩૫ હજાર રોકડા અને ધુલીયા નજીકના એક ગામની સાઈકલના સ્પેરપાર્ટની દુકાનમાંથી રૂા. ૧૬ હજાર રોકડા તફડાવ્યાની કબૂલાત આપી છે. એલસીબીએ હાલમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી મહારાષ્ટ્ર પોલીસને આ આરોપીઓ ઝડપાયાની જાણ કરી છે અને આફ્રીદી માડકીયા, અસરફ સેતા, સકીલ વલીમામદ નામના તેઓના ત્રણ સાગરીતની શોધ આરંભી છે.