(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૯
ચીન દ્વારા લદ્દાખની સરહદે ભારતીય સૈનિકો ઉપર હુમલો કરવાથી થયેલી ૨૦ જવાનોની શહાદતના કારણે ભારતભરમાં ચીન સામે ગુસ્સાનો દાવાનળ ભભૂકી ઊઠ્યો છે તેમજ ચીની બનાવટની આઈટમના ઉપયોગ સામે પણ વિરોધના સૂર ઊઠ્યા છે. જામનગર વેપારી મહામંડળે પણ શહેરમાં જુદા-જુદા ચાર સ્થળોએ ચીની બનાવટની આઈટમના ખરીદ-વેચાણનો બહિષ્કાર કરી તોડફોડ કરવાનો નિર્ણય કરી ચીન તથા ચાઈનીઝ ચીજોના બહિષ્કારનો બૂંગિયો ફૂંક્યો છે. તેમજ દેશ માટે જાન ન્યોછાવર કરનાર ભારતના વીર સપૂતોને નમન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ જણાવ્યું છે કે, દેશના ગ્રાહક વર્ગમાં ચીન સામે જબરો વિરોધ વંટોળ ઊભો થયો છે. ઠેર-ઠેર ચાઈનીઝ ચીજો કાયમી ધોરણે નહીં વાપરવાનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. આથી, જો વેપારીઓ ચીનથી માલ આયાત કરે જ નહીં તો ચીની આઈટમ બજારમાં આવશે જ નહીં. શહેરના ચાંદી બજાર સર્કલમાં વેપારીઓએ એકત્ર થઈ ભારતની સરહદે પોતાની પ્રાણની આહુતિ આપનારા વીર શહીદ જવાનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર પછી ચાઈનીઝ બનાવટની ચીજવસ્તુઓની જાહેરમાં તોડફોડ કરી વિરોધ કરાયો હતો અને શી જિનપિંગની તસવીરોને પણ જાહેરમાં ફાડવામાં આવી હતી.