જામનગર,તા.૧પ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઈકાલે આતંકી હુમલામાં ભારતીય જવાનો શહીદ થયા હતાં. આ બનાવને બેડ સમસ્ત સુન્ની-મુસ્લિમ જમાત ટ્રસ્ટ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે.આ આતંકવાદી કૃત્યને રાજયભરના સુન્ની-મુસ્લિમોએ વખોડી કાઢેલ છે. દેશ માટે શહીદ થનારા ૪૪ જવાનોના પરિવારને સાંત્વના આપવા અને આવા આતંકવાદી હુમલાથી લોકોને વાકેફ કરવા દરેક સુન્ની-મુસ્લિમ જમાતે આવા બનાવને વખોડી કાઢતો ઠરાવ પસાર કરવા ગુજરાત રાજયના કાઝી અને રઝાએ મુસ્તુફા સંસ્થાના ગુજરાત પ્રમુખ અને ધાર્મિક આગેવાન સૈયદ સલીમબાપુ નાનીવાલાએ એલાન કર્યુ છે.
આથી આજે બેડી સુન્ની-મુસ્લિમ જમાતની મિટિંગ યોજાઈ હતી અને કાશ્મીરના આતંકી હુમલાને વખોડી કાઢતો ઠરાવ કરવામાં આવ્યો હતો.આ મિટિંગમાં જમાતના પ્રમુખ અબ્દુલભાઈ ભગાડ, મસ્જિદોના ઈમામ સાહેબો તથા ધરારનગર અને બેડીના વિવિધ જમાતના આગેવાનો, કાર્યકરો, એડવોકેટ હારૂન પલેજા, અસ્ગરબાપુ, શાહનવાઝ બાપુ, દાઉદભાઈ નોતયાર, અસ્ગરભાઈ ખોડા, કાસમભાઈ લોહ, આમદભાઈ શેડાન, સુલેમાનભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.