જામનગર,તા.૩
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતા એક પ્રૌઢ વેપારીના રૂા.સાત લાખની અલીયા ગામના પાટીયા પાસે એક બાઈકમાં ધસી આવેલા બે શખ્સે તેઓને છરી બતાવી રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. જેની વેપારીએ તાત્કાલીક પોલીસ કન્ટ્રોલને જાણ કર્યા પછી નાકાબંધીમાં બન્ને શકમંદ શેઠવડાળા પોલીસના સકંજામાં આવી ગયા છે.
જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં રહેતા ધીરજલાલ ચનાભાઈ સાવલીયા ઉર્ફે ધીરૂભાઈ પટેલ (ઉ.વ.૫૭) નામના વેપારી જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવે છે. તેઓ ગઈકાલે ખેડૂતોના પાકના વેચાણની રૂા.૭,૦૪,૪૬૦ની રોકડ રકમ થેલીમાં સાથે રાખી જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર અલીયા ગામ તરફ જવાના માર્ગ પર પહોંચ્યા હતાં. તે દરમ્યાન અચાનક જ નંબર પ્લેટ વગરના કાળા રંગમાં બ્લુ તથા લાલ પટ્ટાવાળુ હીરો મોટરસાયકલ નજીક આવી પહોંચ્યું હતું. તેના પર સવાર ૨૫થી ૩૦ વર્ષની વયના લાગતા બે અજાણ્યા શખ્સોએ આઈઓસીના પમ્પીંગ સ્ટેશન પાસે ધીરુભાઈ પટેલને આંતરી લીધા હતાં. આ શખ્સોએ પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી ધીરૂભાઈને બતાવી રોકડ રકમવાળો થેલો ઝુંટવી લીધો હતો.
ત્યારે ધીરૂભાઈએ તુરત જ જામનગર પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતા એસપીએ નાકાબંધીનો આદેશ પહોંચાડ્યો હતો. જેથી જિલ્લાભરમાં તમામ પોલીસ મથકો હરકતમાં આવ્યા હતાં.
જેમાં શેઠવડાળા પોલીસને કન્ટ્રોલમાંથી મળેલા વર્ણન મુજબના મોટર સાયકલવાળા બે શખ્સ જોવા મળતા તેઓના બાઈકને રોકી લઈ એસપીને વિગત આપવામાં આવી હતી. તે પછી આ શખ્સોની તલાસી લેવાતા તેમના કબજામાંથી વેપારી ધીરૂભાઈ પટેલ પાસેથી લૂંટી લેવાયેલો પૂરેપુરી રોકડ રકમવાળો થેલો મળી આવ્યો હતો. જેને શેઠવડાળા પોલીસ સ્ટેશને કબજે લીધો છે. પોલીસે આ શખ્સોને કોરોના ટેસ્ટ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી છે. તે પછી આરોપીઓની ઓળખ પરડે અને અટકાયતની કામગીરી કરવામાં આવશે.