(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧ર
ઉના-ગીરગઢડાના જામવાળા ગામે અમરેલી-ધારી માર્ગ પર આવેલ પંચાયતની માલિકીની રેવન્યુ અને ગૌચર જમીન તેમજ સેટેલમેન્ટ ખેડૂતોની માલિકીની જમીનમાં વનવિભાગ અધિકારીએ દાદાગીરી કરી ચેકપોસ્ટ ઊભી કરતા આ ચેકપોસ્ટના કારણે જામવાળા ગ્રામ લોકો અને આજુબાજુ વિસ્તારના ખાતેદાર ખેડૂતોની અવર-જવર અને વાહનો માટે કાયમી વન્ય વિભાગ ત્રાસરૂપ બનશે તેવા ભયના કારણે અગાઉ ત્રણ-ચાર માસ પહેલાં ભારે વિવાદ સર્જાયો હતો અને ગ્રામજનોના આક્રોશ વચ્ચે આ ચેકપોસ્ટની કામગીરી અટકાવી દેવાયેલ છે. પરંતુ અચાનક ગતરાત્રીથી ચેકપોસ્ટ ઊભી કરવાની કામગીરીનો પ્રારંભ થતાં અને ગામ લોકોએ સરપંચને જાણ કરતા જામવાળા ગામે સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવતા સરપંચે તાત્કાલિક કામ બંધ કરાવવા માગણી સાથે આંમરણ ઉપવાસ પર બેસી જતાં તંત્રના અધિકારીઓ દોડતા થયા છે અને આ વિવાદ વધુ વકરે તેવી સંભાવનાને ધ્યાને રાખી તંત્ર એલર્ટ થઇ ગયેલ છે. ત્રણ માસ પહેલાં જામવાળા ગામ વચ્ચેથી પસાર થતાં માર્ગ પર જંગલ વિભાગની હદ ન આવતી હોવા છતાં ચેકપોસ્ટ નાખવા જામવાળા વન્યવિભાગ અધિકારીએ હિલચાલ કરતા ગામ લોકો અને વનવિભાગ સામ-સામે આવતા આ મામલો ગાંધીનગર વનમંત્રી સુધી પહોંચતા અટકી ગયેલ હતો. પરંતુ અચાનક ફરિયાદ આ મુદ્દે વનવિભાગે જડ વલણ અપનાવી ચેકપોસ્ટનું કામ શરૂ કરતા ગામ લોકોમાં રોષ ભભૂકી ઊઠતા આજે વહેલી સવારથી ગ્રામજનોએ જામવાળા બંધ પાડીને વનવિભાગ સામે આંદોલન છેડી દીધેલ છે જેના કારણે તંત્ર દોડતું થવા છતાં વન્યવિભાગે આ કામ બંધ ન કરતા જામવાળા ગામના સરપંચ નરેશભાઇ ત્રાયસિયા આંમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે અને તેની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે અને મામલો અતી સંવેદનશીલ બની રહ્યો છે. ગ્રામજનો અને વનવિભાગ સીધા સામ-સામે આવી જતાં ઘર્ષણ થાય નહીં તેને ધ્યાને રાખી પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.