(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૯
જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સંગઠને ટીવી પ્રોમોમાં વાંધાજનક ટિપ્પણીઓ બદલ નોઇડા ખાતેની સુદર્શન ટીવીના તંત્રી સુરેશ ચવ્હાણ્કે વિરૂદ્ધ શુક્રવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને કડક કાયદા હેઠળ તેની સામે પગલાં લેવાની માગણી કરી હતી. આ ફરિયાદ સાઉથ દિલ્હીમાં જામિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઇ હતી. આ પહેલાં શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે યુપીએસસીમાં મુસ્લિમો મોટાભાગે પાસ થવા અંગે ૨૮મી ઓગસ્ટે પ્રસારિત થનારા શો સુદર્શન ટીવીના શો પર પ્રતિબંધ મૂક્યો હતો અને નોટિસ પાઠવી હતી આ ઉપરાંત હંગામી ધોરણે શોના પ્રસારણ પર સ્ટે મૂક્યો હતો. પોલીસ ફરિયાદમાં સંગઠને જણાવ્યું કે, સુરેશ ચવ્હાણ્કે દ્વારા કરાયેલી પ્રમોશન ટિ્‌વટ ભારતની અખંડિતતા માટે ભયાનક છે અને ધર્મના આધારે લોકોના ભાગલા પાડવાનો પ્રયાસ છે. ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે, જામિયાની રહેણાંક એકેડેમીમાં રહીને તાલીમ મેળવ્યા બાદ યુપીએસસી પરીક્ષા પાસ કરનારા જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ વિશે પણ શોમાં સવાલ ઊભા કરાયા છે. ગુરૂવારે જામિયાએ શિક્ષણ મંત્રાલયને પત્ર લખ્યો હતો જેમાં આ મુદ્દાની જાણ કરતા સુદર્શન ટીવી સામે યોગ્ય પગલાં લેવા માગ કરાઇ હતી. જામિયાના પીઆરઓ અહમદ અઝીમે જણાવ્યું હતું કે, સુદર્શન ટીવીએ માત્ર યુનિવર્સિટીની છબિ ખરડવાનો જ નહીં પરંતુ ચોક્કસ સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે ઉપરાંત યુપીએસસી સામે પણ સવાલ ઊભા કર્યા છે.