(એજન્સી)                                          નવી દિલ્હી, તા.૨

જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને નાગરિકતા વિરોધી સુધારો અધિનિયમના એક્ટિવિસ્ટો  આયેશા રેન્ના અને લાદીદા ફરઝાનાએ આરએસએસ દ્વારા પ્રાયોજિત ન્યુઝ પોર્ટલ ઓપઇન્ડિયાને કાયદાકીય નોટીસ મોકલાવી માફી માંગવા માંગણી કરી છે. બંનેએ પોર્ટલ ઉપર  ફેબ્રુઆરીમાં  ઉત્તર પૂર્વ દિલ્હીની હિંસામાં ખોટા રિપોર્ટિંગના આરોપો મૂક્યા છે, પોર્ટલે એમની ઉપર હિંસામાં ભાગ  લેવાના આક્ષેપો મૂક્યા છે.   કાયદાકીય નોટિસ મુજબ, “ ઓપઇન્ડિયા અપ્રમાણિકપણે ખોટા સમાચારો પ્રકાશિત કરવાના કૃત્યમાં સંકળાયેલ છે અને એમનો ફેલાવો વધુ હોવા છતાંય  તેઓ ગેર વ્યવસાયિક મીડિયા પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે. નોટિસમાં જણાવ્યું છે કે પ્રથમ દર્શનીય રીતે એમના સમાચારો આયશા અને લાદીદાની બદનક્ષી કરનારા છે જેના લીધે તેમને “વિશાળ માનસિક વેદના, પ્રતિષ્ઠા અને સદ્‌ભાવનાની  ખોટ”નો અનુભવ થયો છે. અને તેમના શુભેચ્છકો અને સામાન્ય લોકોમાં એમની પ્રતિષ્ઠા ઘટી છે. નોટિસમાં કહેવાયું છે કે આર.એસ.એસ. સાથે સંબંધ હોવાથી એમનો વાચક વર્ગ ખૂબ જ મોટો છે. તેઓ મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવનારા  બનાવટી સમાચારો પ્રકાશિત કરે છે. એ સાથે બંને એક્ટિવિસ્ટો  સામે જામિયામાં થયેલ હિંસાને સાંકળી ખોટા આક્ષેપો મૂકી ખોટો પ્રચાર કરે છે. આ ઉપરાંત, ન્યૂઝ વેબસાઇટે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ અને જાહેર ભાષણો દ્વારા ખોટો સૂચનો દોરવા માટે સંદર્ભોની બહાર નેતાઓના શબ્દોના ઉપયોગ કરી ખોટા અર્થઘટન અને અનુમાનો રજૂ કર્યા છે. આ આક્ષેપોના લીધે એક્ટિવિસ્ટોએ બિનશરતી માફીની માંગણી કરી છે અને બદનક્ષીના વળતર પેટે ૫૦ લાખ રૂપિયાની માંગણી કરી છે.

આયશા અને લાદીદાના વકીલે નોટિસમાં  જણાવ્યું છે કે ઓપઇન્ડિયાએ આઈ.પી.સી.ની કલમ ૪૯૯ અને કાયદાની અન્ય જોગવાઈઓ હેઠળ ગુનો કર્યો છે જેથી એમને સજા થવી જોઈએ. વધુમાં નોટિસમાં જણાવ્યું છે કે જોકે એમણે ભોગવેલ ત્રાસ અને બદનક્ષીનું મુલ્ય આંકી શકાય નહિ તેમ છતાંય અમારા અસીલોના મતે વળતરની રકમ ૫૦ લાખ રૂપિયા હોવી જોઈએ. આથી તમને નોટિસ આપી જણાવવામાં આવે છે કે તમે ૭ દિવસમાં રકમ ચૂકવી આપશો અને મારા અસીલ પાસેથી બિનશરતી માફી માંગી લેશો અને ફેસબુકમાંથી પોસ્ટ બિન શરતે પછી ખેંચી લેશો.