સુરેશ ચવ્હાણ્કે જામિયાના વિદ્યાર્થીઓ તથા મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ખુલ્લેઆમ નફરતી ભાષણો અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે : અરજીમાં આરોપ • સુદર્શન ન્યૂઝનો તંત્રી ૨૮મી ઓગસ્ટના રોજ ‘‘વહીવટી સેવામાં મુસ્લિમોની ઘૂસણખોરી’’ અંગે એક કાર્યક્રમ પ્રસારિત કરવાનો હતો જેની સામે દેશભરમાંથી ભારે વિરોધ જોવા મળ્યો છે, છેલ્લા ત્રણ દિવસથી સુરેશ ચૌહાણ્કેનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ દાખલ થઈ છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
પત્રકારત્વની આડમાં ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નફરત ફેલાવવાના આરોપોનો સામનો કરતા સુદર્શન ન્યૂઝના એડીટર સુરેશ ચવ્હાણ્કેને દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવી છે. સુરેશ ચૌહાણ્કે ૨૮ ઓગસ્ટની રાતે આઠ વાગે વહીવટી જિહાદના નામે એક કાર્યક્રમનું પ્રસારણ કરવાનો હતો પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ નવીન ચાવલાએ આ અંગેનો આદેશ આપ્યો છે. આ અંગે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી સુરેશ ચવ્હાણ્કેનો એક વીડિયો ટિ્‌વટર પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સરકારી નોકરીઓમાં મુસ્લિમોની ઘૂસણખોરીનો આરોપ લગાવતા વહીવટી જિહાદનું નામ આપી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, જે ટિ્‌વટમાં તેણે વીડિયો જારી કર્યો છે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને પણ ટેગ કરવામાં આવ્યા છે.સુરેશ ચૌહાણ્કેના આ વીડિયો અંગે સામાજિક કાર્યકરોથી લઈને આઈપીએસ એસોસિએશન, આઈપીએસ અધિકારીઓ અને આઈએએસ અધિકારીઓએ એવો વાંધો ઊઠાવ્યો છે અને તેને નફરત ફેલાવનારો ગણાવ્યો છે. દિલ્હી પોલીસમાં તો આ અંગે એક ફરિયાદ દાખલ કરાઈ છે અને યુપીએસસીના અધ્યક્ષને પત્ર લખીને આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પ્રસિદ્ધ ટીવી હોસ્ટ તેહસીન પૂનાવાલાએ સુરેશ ચવ્હાણ્કે વિરૂદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ અંગેની જાણ તેમણે ટિ્‌વટર પર કરી હતી. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, સુદર્શન ન્યૂઝ ચેનલ પર વહીવટી સેવામાં મુસ્લિમોની ઘૂસણખોરીના નામથી પ્રસારિત થનાર કાર્યક્રમ સ્પષ્ટ રીતે કોમવાદી છે અને આ મુસ્લિમો વિરૂદ્ધ નફરત અને હિંસા ભડકાવનારો છે. સામાન્ય રીતે કથિત રીતે નફરત ફેલાવવા માટે મુસ્લિમ વિરોધી આવા જ સમાચારો માટે સુદર્શન ન્યૂઝ અને સુરેશ ચૌહાણ્કે લોકોના નિશાના પર રહે છે. યુપીમાં કમલેશ તિવારી હત્યાકાંડમાં અસદુદ્દીન ઓવૈસી વિરૂદ્ધ અહેવાલોનો મામલો હોય કે પછી યુપી પોલીસ વિરૂદ્ધ મસ્જિદના ફરમાન અંગે ખોટા સમાચારો પ્રસારિત કરવાનો હોય આવા અહેવાલો હંમેશા ખોટા સાબિત થયા છે. ફેક ન્યૂઝને બહાર લાવનારી વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝે ૨૦૧૯માં આ અંગે એક સમગ્ર રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં સુદર્શન ન્યૂઝના અહેવાલોને ફેક ગણાવાયા હતા. ઓલ્ટ ન્યૂઝ અનુસાર સુદર્શન ન્યૂઝે ૧ જુલાઈ ૨૦૧૯ના પ્રસારણમાં એક વીડિયો ચલાવ્યો હતો જેમાં હાથમાં તલવાર લઈને કેટલાક લોકો આરએસએસના કાર્યકરોને મારવાના નારા લગાવી રહ્યા છે. ઓલ્ટ ન્યૂઝે શોધી કાઢ્યું કે, જૂના વીડિયોને એડિટ કરીને આરએસએસ કાર્યકરોની હત્યા કરવાના નારા સાથે તેને જોડવામાં આવ્યો છે. સુરેશ ચવ્હાણ્કેએ બુલંદશહરમાં હિંસાને તબ્લીગી ઈજતેમા સાથે જોડ્યો હતો જેનો પોલીસે ફેક ગણાવ્યો હતો.