જામિયા યુનિવર્સિટી નં.૧ છે તેનાથી શા માટે કોઇને આશ્ચર્ય થવું જોઇએ ? જામિયા હંમેશા ટોપ-૧૦માં રહી છે. તે ૧૦૦ વર્ષ જૂની યુનિવર્સિટી છે અને તેનો પાયો મહાત્મા ગાંધીએ નાખ્યો હતો. આ યુનિવર્સિટી પુષ્કળ રાષ્ટ્રીય ગર્વની વિરાસત છે. અમોએ ક્યારેય કેમ્પસમાં મુસ્લિમ લીગને આમંત્રણ આપ્યું નથી. મોહમદ અલી ઝીણા ક્યારેય કેમ્પસમાં આવ્યાં ન હતાં.
– નજીબ જંગ
(જામિયાના પૂર્વ વાઇસ ચાન્સેલર)
‘ધ ક્વિન્ટ’ સાથેની ખાસ મુલાકાતમાં જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના પૂર્વ વાઇસ ચાન્સેલર અને દિલ્હીના પૂર્વ લેફ.ગવર્નર નજીબ જંગે યુનિવર્સિટી અંગે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે જે યુનિવર્સિટી ઘણીવાર દેશદ્રોહી ગણાવવામાં આવી છે પરંતુ તે આજે સેન્ટ્રલ યુનિવર્સિટીના સરકારી રેન્કિંગમાં પ્રથમ ક્રમે છે. નજીબ જંગે જામિયાના સીએએ વિરોધી દેખાવોની પણ વાત કરી હતી અને આ રેન્કિંગ યુનિવર્સિટીને કઇ રીતે મદદરૂપ થશે તેની પણ વાત કરી છે. અત્રે તેમની સાથેની મુલાકાતના મહત્વના અંશો પ્રસ્તુત છે.
સીએએ-એનઆરસી વિરોધી દેખાવો માટે હેડલાઇન્સમાં ચમકવા છતાં રેન્કિંગમાં જામિયા ટોચ પર કેમ રહી છે ? એવા પ્રશ્નના જવાબમાં નજીબ જંગે જણાવ્યું હતું કે આ યુનિવર્સિટી તેના માળખાગત સુવિધા અને શિક્ષણની ગુણવત્તાને કારણે નં.૧ પર રહી છે. સીએએ-એનઆરસી-એનપીઆર પાસ થવાથી વિવાદ ઊભો થયો હતો. યુવાન વિદ્યાર્થીઓ સામાજિક અને આર્થિક મુદ્દે પોતાના વિચારો રજૂ કરે એમાં કશું ખોટું નથી. વાસ્તવમાં એ ગર્વની વાત છે કે આ તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો માટે આંદોલન કરવા તૈયાર છે. આ વિરોધનું ગૌરવ નથી પરંતુ વિચાર પ્રક્રિયાનું ગૌરવ છે કે વિદ્યાર્થીઓ ભારત માટે શું સારૂં છે અને ભારત માટે શું ખરાબ છે તે અંગે પોતાના મતને પરીભાષિત કરી શકે છે. તમે કદાચ તેમની સાથે અસંમત થાવ, સીએએ વિરોધી દેખાવમાં વિદ્યાર્થીઓ કદાચ ખોટા હોઇ શકે તે અલગ બાબત છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે વિદ્યાર્થીઓ વિચારવાની બાબતમાં પર્યાપ્ત રીતે સંવેદનશીલ છે. નં.૧ રેંકિંગ જામિયાને કઇ રીતે મદદરુપ થશે? એના જવાબમાં નજીબ જંગે જણાવ્યું હતું કે જામિયા તેની માળખાગત સુવિધા, લેબોરેટરી અને વર્ગખંડ શિક્ષણમાં પોતાની રીતે જ આગળ છે. પોઇન્ટ સિસ્ટમ માળખાગત સુવિધાની ગુણવત્તા પર આધારીત છે. આ રેન્કિંગથી લોકો એવું વિચારશે કે વિવાદની જરુર ન હતી. તેઓ એવું માનશે કે વિદ્યાર્થીઓ સારા છે. રેંકિંગ વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં પણ મદદ કરશે.
જામિયા વિવાદના વમળમાં કેમ ઘેરાયેલી રહે છે એવા પ્રશ્નના જવાબમાં નજીબ જંગે જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષમાં માત્ર ત્રણ વિવાદ જોવા મળ્યાં છે. પ્રથમ ૨૦૦૫ના આંદોલનમાં વિદ્યાર્થીઓ તોફાની બન્યાં હતાં અને કોઇ પણ યુનિવર્સિટીમાં આવું આંદોલન થઇ શકે છે. બીજું ૨૦૦૮માં બાટલાહાઉસ ઘટના ઘટી ત્યારે જામિયાના વિદ્યાર્થીઓની સંડોવણી ન હતી પરંતુ બાટલાહાઉસની નજીક યુનિવર્સિટી હોવાથી વિવાદ ઊભો થયો હતો. બાટલાહાઉસ સાથે અમારે કોઇ નિસ્બત ન હતી. ત્રીજું ૧૦ વર્ષ બાદ સીએએના મામલામાં માત્ર જામિયા જ નહીં પરંતુ લખનૌ યુનિવર્સિટી, અલ્હાબાદ યુનિવર્સિટી, બીએચયુ, એએમયુ અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સીએએ મામલે આંદોલન કર્યુ હતું તેથી જામિયાને બદનામ કરવી એ અન્યાયી બાબત છે.
વિદ્યાર્થીઓનું આંદોલન જ્યાં સુધી તેમના અધિકારની મર્યાદામાં હોય અને કાયદાનો ભંગ કરે નહીં ત્યાં સુધી તેઓ પોતાનું મંતવ્ય રજૂ કરી શકે છે. વિશ્વભરમાં આવું બનતું હોય છે. વિદ્યાર્થીઓએ દેશના પ્રેમ માટે વિચારવું જોઇએ અને જામિયામાં આવું જ થઇ રહ્યું છે. જામિયાએ આ બાબતમાં કઇ રીતે કામ લેવું જોઇએ તે અંગે વાત કરતાં પૂર્વ વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓએ કેમ્પસની બહાર પગ મૂકવા જોઇએ. જામિયા, જેએનયુ, એએમયુ આ બધી યુનિવર્સિટી એ પરિસંવાદો અને પરિષદોનું આયોજન કરવું જોઇએ અને લોકો સમક્ષ જઇને તેઓ શું કહેવા માગે છે તે લોકોને જણાવવું જોઇએ. તેઓએ હવે પોતાનો પ્રચાર કરવો પડશે એ સમયની માંગ છે. ભારતને જામિયા યુનિવર્સિટી માટે ગર્વ હોવો જોઇએ.
– સદાબ મોઇઝીહેરા ખાન (સૌ. : ધ ક્વિન્ટ)
Recent Comments