(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જામિયા હિંસાની તપાસ કરાવવા માટે દાખલ થયેલ અરજીઓના પગલે બે દિવસોમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટની ડિવિઝન બેંચના મુખ્ય ન્યાયાધિશ ડી.એન. પટેલ અને જજ પ્રતિક જાલનની બેન્ચે વધુમાં સરકારને જણાવ્યું છે કે, તે સમય મુજબ જવાબ રજૂ કરે અન્યથા કોર્ટને આકરા પગલાં લેવા પડશે.
વધુમાં હાઈકોર્ટે અરજદારોને પણ જણાવ્યું છે કે તેઓએ સરકારના જવાબ પછી ચાર દિવસોમાં રિજોઇન્ડર દાખલ કરવું. બધા પક્ષકારોને સૂચના આપી હતી કે, તેમણે જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે એ બધા મુદ્દાઓની યાદી એકબીજાને આપી દે.
હાઈકોર્ટે હાલનો આદેશ અમુક અરજીઓના પગલે આપ્યો હતો. કોર્ટમાં અરજીઓ કરાઈ હતી કે પોલીસ ગયા ડિસેમ્બર મહિનામાં જામિયા યુનિવર્સિટીમાં પરવાનગી વિના આવી હતી અને વિદ્યાર્થીઓ ઉપર અત્યાચારો કર્યા હતા. પોલીસના અત્યાચારોની સ્વતંત્ર તપાસ માટે અરજીઓ દાખલ થયેલ છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પોલીસે ફક્ત વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓ જ નહીં પણ લાયબ્રેરીમાં અને મસ્જિદમાં બેઠેલ વિદ્યાર્થીઓને પણ માર માર્યો હતો. સ્વતંત્ર તપાસ ઉપરાંત અરજીઓમાં માંગણી કરી છે કે ઘવાયેલ વિદ્યાર્થીઓને વળતર પણ આપવામાં આવે.
દિલ્હી પોલીસે સોગંદનામું દાખલ કરી જણાવ્યું હતું કે, અમોએ કાયદો વ્યવસ્થા જાણવવા યોગ્ય બળનો ઉપયોગ કર્યો હતો. પોલીસે કહ્યું કે, જો હિંસા થતી હોય તો અમારો ફક્ત અધિકાર જ નહીં પણ ફરજ પણ છે કે અમે ગમે તે સ્થળે પ્રવેશ કરી હિંસાને અટકાવવા બળનો ઉપયોગ કરી શકીએ છીએ. એના માટે અમને કોઈની મંજૂરી લેવી પડતી નથી.