(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૬
ગઈકાલે આરોપી અલ્પેશ પટેલને સોગંદનામુ ફાઇલ કરવાના આદેશ બાદ આજે આરોપી દ્વારા કોર્ટમાં વોટ્‌સએપ મેસેજિસની નકલો અને સોગંદનામુ ફાઇલ કરવામાં આવ્યું હતું. જેના આધારે હાઇકોર્ટે વિજય શાહની જામીન અરજી ફગાવી દીધી હતી અને આરોપીઓ અલ્પેશ અને વિજય સામે ક્રિમિનલ કન્ટેમ્પટની સુઓમોટો પિટિશન દાખલ કરી ચીફ જસ્ટિસને રીફર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના જજ બેલાબેન ત્રીવેદીને એક જામીન અરજીના સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામે ફોન કરવાના મામલે એક મોટો ખુલાસો થયો હતો. પોલીસે અલ્પેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. અલપેશ પટેલે તોફીકભાઈના મોબાઈલ ફોન ઉપરથી જજ બેલાબેન ત્રિવેદીને ધારાસભ્યના નામે ફોન કર્યાનું અને આ જામીન અરજીના અરજદારની વિજય શાહના કહેવાથી ફોન કર્યાની ચોંકાવનારી કબૂલાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી. હાઈકોર્ટે અલ્પેશ પટેલને તમામ વિગતો સાથે સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો અને નોધ્યું હતું કે, “અલ્પેશ રમેશભાઈ પટેલ આવતીકાલ સુધીમાં આ સોગંદનામુ હાઇકોર્ટમાં જમા કરાવી દે જેથી સમગ્ર પ્રકરણમાં જેની પણ પ્રથમ દર્શનીય સંડોવણી હોય એ તમામની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય.’ આ સમગ્ર પ્રકરણની સુનાવણી બાદ હાઇકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા નિવેદનમા જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ કોઈ કોલ કર્યો નહતો. જામીન અરજી કરનાર વિજય શાહ કોંગ્રેસનો કાર્યકર છે અને ધારાસભાની ચૂંટણીમાં વિજય શાહે નિરંજન પટેલની મદદ પણ કરી હતી અને તેમની સાથે પારિવારિક સંબંધો છે. જ્યારે કે જેના ફોનનો ઉપયોગ થયો હતો એ તોફિકભાઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ૨૨મી તારીખે ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં તેમની દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો, જેણે મોં પર માસ્ક પહેરેલ હતું. એણે એસટીડી છે એવું પૂછ્યું હતું, પરંતુ એસટીડીની સુવિધા ન હોવાનું જણાવતાં એણે તોફીક ભાઈ પાસે ફોન કરવા માટે તેમનો મોબાઈલ માંગયો હતો. તોફિકભાઈ એ માનવતાના ધોરણે મોબાઇલ આપ્યો હતો. દસ મિનિટ બાદ તે વ્યક્તિએ ફોન લાગતો નથી એમ કહી મોબાઈલ પરત આપી દીધો હતો. આ સમગ્ર ઘટના તેમની દુકાનની સામેના સીસીટીવીમાં પણ કેદ થઈ હશે. તોફિકભાઈના નિવેદનના આધારે સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે અલ્પેશને ગાંધીનગરથી પકડી પાડ્યો હતો. તોફિક ભાઈએ તેની ઓળખ પણ કરી હતી. અલ્પેશ પટેલે કોર્ટમાં રજૂઆતની મંજૂરી માગી અને કોર્ટમાં કબૂલ્યું હતું કે, ફોન એણે જ કર્યો હતો અને મેસેજ પણ એણે જ કર્યો હતો. જોકે આવું કરવા વિજય શાહ કે જે આ કેસનો મૂળ અરજદાર છે એણે અને એની પત્નીએ અલ્પેશ પટેલને ફોન કરવા કયું હતું. એમણે અલ્પેશ પટેલને કહ્યું હતું કે, જો ધારાસભ્યના નામે ફોન થશે તો જામીન મળી જશે. અલ્પેશ પટેલે આ ફોન નહોતો કરવો જોઈતો પરંતુ તેને યોગ્ય વળતરની ખાતરી અપાઈ હતી. ત્યારબાદ જ્યારે આ વાત ખુલી ત્યારે તેને સાવચેત થઈ જવા પણ વિજય શાહે કહ્યું હતું. મિકેનિકલ એન્જિનિયર અલ્પેશ આણંદના જીતોડિયા ગામ નો રહેવાસી છે અને ઇન્સ્યોરન્સ સર્વેયરનું કામ કરે છે.