રાજકોટ, તા.૧૬
માલવિયાનગર પોલીસે માયાણી નગર ક્વાર્ટર પાસે ચામુંડાનગર-૧માં રહેતાં ભગવાનજી લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.વ.૪૮) સામે આઇપીસી ૩૬૬, ૩૭૬ (ઇ), ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આજથી ચાર વર્ષ પહેલા એટલે કે ૨૦૧૫માં ભગવાનજીએ એક સગીરાનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે તે વખતે અપહરણ, દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતાં તેની ધરપકડ થઇ હતી. ત્યારબાદ કોર્ટે ૧૦ વર્ષની સજા કરી હતી. પરંતુ જામીન પર છૂટતા ફરી તે જ સગીરા જે આજે પુખ્ત વયની બની ગઇ છે તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું છે.
આ કેસમાં ભગવાનજી એક વર્ષ પહેલા હાઇકોર્ટમાંથી જામીન પર છૂટ્યો છે. દરમિયાન પોતાને જેના કારણે આ સજા પડી તે સગીરા કે જે હાલમાં પુખ્ત વયની થઇ ગઇ છે તેની જેલમાંથી છૂટી ફરીથી શોધખોળ હાથ ધરી હતી અને ગત જાન્યુઆરી માસમાં ૧૭મીએ તેણે યુવતીને શોધી કાઢી હતી અને તારી જુબાનીને કારણે મને સજા પડી છે, હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે, નહીં કર તો તારા ભાઇ અને પિતાને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી અપહરણ કરી ગયો હતો.