(એજન્સી)                                                                           તા.૧૯
વેબસાઇટ કાશ્મીરવાલાના મુખ્ય તંત્રી ફહાદ શાહની શનિવારે ૫,માર્ચના રોજ શોપિયાંની એક અદાલત દ્વારા જામીન આપ્યાં બાદ તુરત ત્રીજા કેસમાં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. આમ એક જ મહિનામાં ત્રીજી વખત ફહાદ શાહની ધરપકડ કરાઇ છે જ્યારે છ સપ્તાહ દરમિયાન શાહને બે વખત જામીન આપવામાં આવ્યા હતા પરંતુ દરેક વખતે જામીન મળ્યાં બાદ પુનઃ તેની ધરપકડ કરાઇ હતી. ફહાદ શાહનો કેસ જે છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી એક વિશાળ પેટર્નના ભાગરુપ છે જેમાં કાયદાપાલક સંસ્થાઓ આરોપીની તત્કાળ પુનઃ ધરપકડ કરીને જામીન આપવાના ચુકાદાનો ધ્વંસ કરે છે. આરોપીની પડતર કેસ કે નવા કેસમાં જામીન મળ્યા બાદ તુરત પુનઃ ધરપકડ કરવામાં આવે છે ખાસ કરીને રાજકીય રીતે પ્રેરીત કેસમાં આવું બને છે. ફહાદ શાહની સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી સામગ્રી પોસ્ટ કરવાના આરોપસર પુલવામા પોલીસ દ્વારા ૪,ફેબ્રુ.ના રોજ યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડના એક દિવસ બાદ કાશ્મીર પોલીસે ટ્‌વીટ કર્યુ હતું કે ફહાદ શાહ આતંકવાદનું મહિમામંડન કરવા બદલ, ફેક ન્યૂઝ ફેલાવવા બદલ અને સામાન્ય લોકોને કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ સર્જવા માટે સામાન્ય પ્રજાને ઉશ્કેરવા બદલ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ એમ ત્રણ કેસમાં વોન્ટેડ છે. પોલીસે ઉમેર્યુ હતું કે ૪,ફેબ્રુ.ના રોજ ૨૦૨૨ની એફઆઇઆર હેઠળ તેમની ધરપકડ કરાઇ હતી. ૨૨ દિવસ બાદ એટલે કે ૨૬, ફેબ્રુ.એ ફહાદ શાહને જામીન આપવામાં આવ્યાં હતાં પરંતુ જામીન મળ્યાં બાદ થોડા કલાક પછી જમ્મુ-કાશ્મીરની શોપિયાં પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરાઇ હતી. આ ધરપકડ ૨૦૨૧ની એફઆઇઆરના આધારે કરાઇ હતી. શોપિયાંની અદાલતે તેને ૫,માર્ચના રોજ જામીન આપ્યાં હતાં પરંતુ તેની થોડા કલાકો બાદ ફહાદની શ્રીનગર પોલીસ દ્વારા આ વખતે ફરી ધરપકડ કરાઇ હતી. આમ ત્રીજી વખત જામીન મળવા છતાં શાહને અગાઉના આરોપસર કસ્ટડીમાં રાખી શકાયાં છે. શાહના વકીલ ઉમર રોંગાએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે શાહની જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ધરપકડ કરાઇ છે. જો કે પોલીસે આ રીતે પુનઃ ધરપકડ કરવાની રણનીતિ આ પ્રથમ કેસમાં અખત્યાર કરી છે એવું નથી. પોલીસ જે પડતર કેસો હોય અને જેમાં કોઇ ધરપકડ કરાઇ ન હોય એવા કેસોનો અથવા તો નવા કેસો દાખલ થયાં હોય તો તેનો ઉપયોગ કરીને આરોપીઓની વારંવાર ધરપકડ કરવામાં આવે છે. જાન્યુ.માં એક ગુનાહિત ષડયંત્ર કેસમાં જામીન મળ્યાં બાદ કાશ્મીરી પત્રકાર સજાદ ગુલની પણ જાહેર સુરક્ષા ધારા હેઠળ પુનઃ ધરપકડ કરાઇ હતી. એપ્રિલમાં અભિનેતા દિપ સંધુને કિસાન આંદોલન દરમિયાન લાલ કિલ્લા ખાતે હિંસાના સંદર્ભમા જામીન અપાયાં હતાં પરંતુ મુક્ત કરાયાના એક દિવસ બાદ તેની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દાખલ કરાયેલ ફરીયાદના આધારે ફરીથી ધરપકડ કરાઇ હતી. આમ વિદ્રોહીઓને જેલમાં રાખવા માટે કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે.