(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૪
જામનગરના તત્કાલિન ઈજનેરને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા પછી તેમણે સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ અપીલ અરજી કરી હતી જેને નામંજુર કરવામાં આવી છે. જામનગરમાં તત્કાલિન નાયબ ઈજનેર જે.વી. સેદાણીને જે-તે સમયના મ્યુનિ. કમિશનરએ નોકરીમાંથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. જે અન્વયે સ્ટેન્ડીંગ કમિટીએ ચેરમેન કમલાસિંહ રાજપૂત, ઉપરાંત દિનેશ પટેલ, મનિષ કનખરા, દિનેશ ગજરા અને બિનાબેન કોઠારી એમ પાંચ સભ્યોની પેટા કમિટી બનાવી હતી અને કાયદાની જોગવાઈ મુજબ મ્યુનિ. અધિકારી અને કર્મચારીઓને શિક્ષા કરવા બાબતે જે જોગવાઈ કરવામાં આવી છે તેની સામે સ્ટેન્ડીંગ કમિટીમાં આવી રજૂ થતી અપીલની સુનવણી કરી અને અપીલ કમિટી સમક્ષ રૃબરૃ રજૂઆતની તક આપી ત્યારપછી અપીલ અંગે સબ કમિટીમાં લેવામાં આવેલા નિર્ણયને સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અન્વયે પેટા કમિટી સમક્ષ તા. ૧૯.પ.ર૦૧૮ ના જે.વી. સેદાણી હાજર થઈ અને રૃબરૃ રજૂઆતો કરી હતી અને કમિશનર દ્વારા મોકલવામાં આવેલ રેકોર્ડ અન્વયે ઈન્કવાયરીના રિપોર્ટસની પુખ્ત ચર્ચા-વિચારણા કરીને કમિટી સમક્ષ તારણ રજૂ કર્યું હતું. જે.વી. સેદાણીની અપીલ, સ્ટેન્ડીંગ કમિટીએ તા. ૭.૬.ર૦૧૮ ની મિટિંગમાં ના-મંજુર કરી હતી અને કમિશનરના હુકમને યથાવત્‌ રાખવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જે.વી. સેદાણી સિવાય અન્ય કોઈ જવાબદાર હોય તો તેની સામે પણ ધોરણસર અલગથી કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું.