(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૯
પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટસ ગૃપ સહેલી તથા અર્બન હેલ્થ સેન્ટર પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે રેપિડ કિટ દ્વારા રહીશોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
પ્રાંતિજ નાનીભાગોળ આટીયાવાસ ખાતે આવેલ શ્રી લી’બચ માતાના મંદિરના હોલમાં પ્રાંતિજ જાયન્ટસ ગૃપ સહેલી તથા પ્રાંતિજ આરોગ્ય અર્બન હેલ્થ સેન્ટર દ્વારા આજે રેપિડ કીટ દ્વારા કોરોના ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં નાનીભાગોળ વિસ્તારના રહીશો તથા આ વિસ્તારના વેપારીઓના રેપીડ કીટ દ્વારા વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાયન્ટસ ગુપના પૂર્વ પ્રમુખ વૃજેશભાઇ ભાવસાર, જાયન્ટસ ગુપ સહેલીના પ્રમુખ હર્ષાબેન ભાવસાર, મંત્રી હેમાંગીબેન ભાવસાર, પૂર્વ ફેડરેશન પ્રમુખ શિલ્પાબેન શર્મા, ર્ડા.અમિતભાઇ પરમાર, આર.જે.ઝાલા, રીટાબા રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે ,જિલ્લા કલેક્ટરે ગત તા.૫/૯/૨૦ના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લાના તમામ ચીફઓફિસરોને તાકીદ કરતો પત્ર પાઠવ્યો હતો. જે અનુસાર તેમના નગરમા ફેરિયાઓ તથા વેપારીઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરીને હેલ્થકાર્ડ ઈસ્યુ કરવા જણાવ્યું હતું. તો શું પ્રાતિજ પાલિકાએ આ ગંભીર મામલે હાથ ખંખેરી નાખ્યા છે ? તેમ જાગૃતજનો પૂછી રહ્યાં છે.