જામનગર, તા.૧૧
જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટે બોગસ આધાર પુરાવાઓ રજૂ કરીને નોકરી મેળવેલ હોવાની માહિતી આરટીઆઈ એક્ટિવિસ્ટે માંગેલી માહિતીમાં પ્રકાશમાં આવતા તેમના દ્વારા ચીફ એકાઉન્ટન્ટની નોકરી રદ કરવા અને તેમની સામે ફોજદારી પગલાં લેવાની માગણી કમિશનરને પાઠવેલા પત્રમાં કરવામાં આવી છે. જામનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જાહેર માહિતી અધિનિયમન હેઠળ જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ દ્વારા જે-તે સમયે રજૂ કરવામાં આવેલા સર્ટીફિકેટ બોગસ હોવાની સ્ફોટક હકીકતો પ્રકાશમાં આવવા પામી હતી. આ ઉપરાંત તેઓ દ્વારા તેમના રહેણાંક મકાનના બંગલાને ખૂલ્લો પ્લોટ ગણાવી ટેક્સ ચોરી કર્યાની બાબતો પ્રકાશમાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની ભરતી અંગેની જાહેરાત ર૦૦૩ના વર્ષમાં કરવામાં આવી હતી. જેમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નિર્મલ જિગ્નેશની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ જાહેરાતમાં દર્શાવવામાં આવેલ ક્વોલિફિકેશન અને અનુભવ જણાવવામાં આવેલ તે પ્રમાણે તેમના પાસે હતો જ નહીં. આ બાબતનો ઉલ્લેખ સ્ટાફ સિલેક્શન કમિટીના ઠરાવ તથા આદેશમાં પણ નોંધવામાં આવ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ જો અનુભવ ઓછો હોય તો તેને ભરતી પ્રક્રિયામાંથી બાકાત કરી નાખવામાં આવે છે ત્યારે ઓછી લાયકાત અને અનુભવ વગરના વ્યક્તિને જવાબદારી વાળી જગ્યાએ ભરતી કરેલી હોવાનું જણાવી તાકીદે તેમની નોકરી રદ કરવા અને તેમની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કમિશનરને પાઠવવામાં આવેલા પત્રમાં વર્ણવામાં આવી છે.