(એજન્સી) કોલકાતા, તા. ૨૦
દલિત કાર્યકર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ૧૮મી માર્ચે હરિયાણાના જિંદમાં એક દલિત રેલીને સંબોધિત કરે તેવી સંભાવના છે. આ જાહેરાત જેએનયુના વિદ્યાથી નેતા પ્રદીપ નરવાલે કરી છે જે દલિતોના ધરણાને સંબોધવા માટે સોમવારે જિંદ પહોંચ્યો હતો. આ ધરણા દલિત અત્યાચાર અને કોઇ પગલાં ન લેવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યા છે. નરવાલે કહ્યું કે, ગયા વર્ષે એક દલિત ઇશ્વરસિંહને ખોટા આરોપોમાં ફસાવી દેવાતા તેણે આત્મહત્યા કરી લીધી છે. તે સમયે હું પણ જિંદમાં હતો. બાદમાં સત્તાધારી પાર્ટીના વરિષ્ઠ નેતાએ તેના પરિવારના સભ્યને નોકરી આપવા કહ્યું હતું. પણ અત્યારસુધી કાંઇ થયું નથી. ૨૬ વર્ષનો નરવાલ સોનીપતના કાઠુઆ જિલ્લાનો રહેવાસી છે. જેએનયુમાં ૨૦૧૬ની ઘટનાઓને પગલે વિચારધારાના અંતરને કારણે ભાજપની પાંખ એબીવીપી છોડનારા નરવાલે કહ્યું કે, હરિયાણાની ભાજપ સરકાર જાતિવાદના નામે ભાગલા પાડી રહી છે. અમે તેને ખુલ્લી પાડીશું. અન્ય એક દલિત કાર્યકર રજત કાલસાને કહ્યું કે, હરિયાણા સરકાર અમારો અવાજ સાંભળતી નથી તેથી અમે જીગ્નેશ મેવાણીને બોલાવ્યા છે. આજે અમે હરિયાણાના પરિવહન મંત્રી ક્રિશન પંવારને મળ્યા હતા જેમણે અમને સ્વીકાર્ય માગો પર ધ્યાન આપવા બાહેંધરી આપી છે. પરંતુ જ્યાં સુધી વાયદાઓ પુરા નહીં થાય ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.