નવી દિલ્હી, તા.૯
દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે દલિત નેતા જિગ્નેશ મેવાણીની સંસદ માર્ગ પરની રેલીને હજુ સુધી મંજૂરી આપવામાં નથી આવી. જોકે પોલીસે આ પહેલા કહ્યું હતું કે મેવાણીની અરજી વિચારણા હેઠળ છે. દિલ્હીના ડીસીપીએ ટ્વીટ કરીને કહ્યું કે હજુ સુધી દિલ્હી પોલીસે જિગ્નેશ મેવાણીની રેલીને મંજૂરી આપી નથી. આયોજકોને બીજે કોઈ ઠેકાણે રેલી આયોજિત કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે આયોજકોએ આ વિનંતી સ્વીકારી નથી. ડીસીપીના ટ્વીટ પર ટ્વીટર પર ઉગ્ર પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી છે. આયોજકોએ મૂળ પ્લાન પ્રમાણે જ રેલીનું આયોજન કરવાની મક્કમતા દાખવી છે. વિદ્યાર્થી નેતા શીલા રશીદે લખ્યું કે ડીસીપી, સર, રેલી તો ત્યાં જ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પોલીસને એ વાતનું સ્મરણ કરાવ્યું કે સંસદ સ્ટ્રીટ પર નહીં પરંતુ જંતર-મંતર ખાતે રેલીનું આયોજન કરવા વિશે એનજીટીનો ચુકાદો સ્પષ્ટ છે. ભુષણે કહ્યું કે પોલીસ એનજીટી આદેશને બહાને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે કખ્યું કે કૃપા કરીને લોકોને મૂર્ખ ન બનાવો, સુપ્રીમ કોર્ટે પણ શાંતિપૂર્ણ પ્રદર્શનને મુળભૂત હકોમાંનો ગણાવ્યો છે. પોલીસ દ્વારા યુવા રેલીને અટકાવવાનો કોઈ પ્રયાસ ગેરબંધારણીય અને મુળભૂત હકોના ઉલ્લંઘન સમાન ગણાશે. રેલીના એક આયોજક અને જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્યૈયા કુમારે કહ્યું કે અમારી રેલીને અટકાવવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો છે અને કેટલાક મીડિયા હાઉસો પણ ખોટી ખબર ચલાવી રહ્યાં છે કે રેલીને પરવાનગી આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી રેલીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી મેવાણીને દેશદ્રોહી અને શહેરી નકસલી કહેનાર ઘણા પોસ્ટરો બહાર પડ્યાં છે. પરંતુ રેલી તેના નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે આયોજિત કરવામાં આવશે.
જિગ્નેશ મેવાણી રેલી : પોલીસનો પરવાનગી આપવાનો ઈન્કાર, આયોજકોએ કહ્યું, ‘રેલી વહી કરેંગે’

Recent Comments