કોંગ્રેસે પોતાના પર નહીં ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર : સિબ્બલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
કોંગ્રેસના લેટર બોમ્બે પછી પાર્ટીમાં આંતરિક ક્લેશ સામે આવ્યો હતો અને સાથે જ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પણ તેની પર મંથન થયું હતું. આ લેટર સામે આવ્યા બાદ હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદને નિશાન બનાવવાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં જે ૨૩ નેતાઓના હસ્તાક્ષર હતા તેમાં તેમનું નામ પણ હતું. યૂપી કોંગ્રેસે હવે તેમની વિરુદ્ધમાં કાર્યવાહીની માંગ કરી છે. ત્યારબાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આ માંગને દુર્ભાગ્યપૂર્ણ કહી છે.
કપિલ સિબ્બલે ટ્‌વીટ કરીને કહ્યું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે કે જિતિન પ્રસાદને ઉત્તરપ્રદેશમાં અધિકૃત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસને પોતાની જ પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં સમય વેડફવવાને બદલે ભાજપ પર સર્જિકલ સ્ટ્રાઈકની જેમ ટાર્ગેટ કરવાની જરૂર છે. લેટર પર જે લોકોએ સહી કરી હતી તેમાં કપિલ સિબ્બલનું નામ પણ છે. યૂપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા મનીષ તિવારીએ પણ કપિલ સિબ્બલની ટિ્‌વટ પર એક શબ્દ લખ્યો છે. આ શબ્દ છે ભવિષ્ય જ્ઞાની એટલે કે પ્રેસિઅંટ. લેટર લખનારમાં મનીષ તિવારીનું નામ પણ છે.