૬ કેદીની ધરપકડ, અન્ય ૬ આરોપીઓને ઝડપી લેવા શોધખોળ

અમરેલી, તા.રપ
અમરેલી જિલ્લા જેલમાં એલસીબી ટીમ તેમજ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી જેલના વી.આઈ.પી. યાર્ડમાં રહેલા ખુંખાર આરોપીઓ દ્વારા અન્ય કેદીઓ પાસેથી ઊંચી રકમ લઈ ચલાવવામાં આવતા પીસીઓના નેટવર્કનો પર્દાફાશ કરી છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ અન્ય સંડોવાયેલા છ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદની જેલ ઝડતી સ્કવોર્ડ દ્વારા અમરેલી જિલ્લા જેલમાં અનેકવાર પ્રતિબંધિત મોબાઈલ ઝડપી લીધાની ફરિયાદો સિટી પોલીસમાં નોંધાયેલ હતી. પરંતુ એસ.પી. નિર્લિપ્ત રાય દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીર ગણી એલસીબી ટીમના પીઆઈ આર.કે.કરમટા તેમજ ના.પો. અધિક્ષક એમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ રચવામાં આવેલ ચાર પી.એસ.આઈ. સહિતનાઓની કરવામાં આવેલ સીટની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી જેમાં જેલમાં જ કેદીઓ દ્વારા મોબાઈલ નેટવર્ક ચલાવાતું હોવાની પ્રાથમિક માહિતી બાદ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં જેલના વી.આઈ.પી. યાર્ડ લેખાતા નં.પના બેરેક ૯ અને ૧૦માં પ્રખ્યાત અને નામચીન કેદીઓ તેમજ અન્ય કેદીઓ દ્વારા જેલમાંથી બહાર વાતચીત કરવા મોબાઈલ અને સીમકાર્ડ બહારથી મંગાવી લેતા હતા. જેલના વી.આઈ.પી. યાર્ડ-પ કુખ્યાત કેદીઓ દ્વારા જેલમાં જ અન્ય કેદીઓ પાસેથી ઊંચી રકમ લઈ પીસીઓ ચલાવાતો હતો. જેલમાંથી જ ૧૭ જેટલા મોબાઈલ નંબર ઉપરથી બહારના વ્યક્તિઓ તેમજ સુરતના કેદીઓ સાથે પણ વાતચીત થતી હોવાનો પર્દાફાશ થયો હતો. જેલમાં રહેલા હત્યાના કેદી કાંતિ વાળા દ્વારા રાજકોટના ડૉક્ટર ધીરેન મોરારભાઈ ઘીવાલા રેષકોર્ષ, રામેશ્વર ચોકવાળા પાસેથી પોતાના જામીન માટે ખોટા મેડિકલ સર્ટી. બનાવડાવતો હતો તેમજ અન્ય કેદીઓ માટે ખોટા મેડિકલ સર્ટી. માટે સંપર્ક કરાવી આપતો હતો. પોલીસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં ત્રણ આરોપી ગુજકેટના ગુનામાં એક આરોપી બળાત્કાર અને એટ્રોસિટી તેમજ એક આર્મ એક્ટના ગુનામાં હાલ જેલમાં છે. ડૉ.ધીરેન ઘીવાલાની પણ ધરપકડ કરવામાં આવેલ હતી. નેટવર્કમાં સંડોવાયેલા નરેશ ઉર્ફે નરશી ભીખાવાળા, શિવરાજ ઉર્ફે મુજો રામકુ ઉર્ફે રામભાઈ વિછિયા, રે.રબારિકા, બાવલસિંગ જયતા બોરિયા રે.લુવારા, નરેન્દ્ર ઉર્ફે નટુ સુરગભાઈ ખુમાણ રે.સેજળ, ગૌતમ નાજુક ખુમાણ સહિત છની ધરપકડ કરવામાં આવેલ હતી. જ્યારે કાંતિ મુળજીવાળા રે.સાવરકુંડલા, સુરેશ ઉર્ફે સુરા સાર્કુળભાઈ હાડગરડા રે.નાગધ્રા, શૈલેષનાથા ચાંદુ રે.દોબતી, દાદુ નાથા ચાંદુ, ઈરફાન ઉર્ફે ટાલકી મહંમદ ખીમાણી રે. અમરેલી અને ભૂપત હિરા વાઘેલા રે.લીખાળાવાળાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.