અમરેલી, તા.૩
અમરેલી જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના હસ્તે અંદાજિત ૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ અગાઉ કોવિડ-૧૯ના દર્દીના સેમ્પલ ટેસ્ટીંગ માટે ભાવનગરની લેબોરેટરીમા મોકલવા પડતા હતા. અને રીપોર્ટ આવતા અંદાજે બે થી ત્રણ દિવસનો સમય લાગી જતો હતો. પરંતુ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જ લેબ બનતા હવે આ ટેસ્ટનું રિઝલ્ટ માત્ર ૫થી ૬ કલાકમાં જ મળી રહેશે. કોવિડ-૧૯ની સારવારમાં તાત્કાલિક નિદાન ખૂબ મોટો ભાગ ભજવે છે. જો દર્દીનો જલ્દી ટેસ્ટ થાય અને સમયસર સારવાર મળી રહે તો દર્દી ખુબ જ ઓછા સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે જાય છે. આમ, આજે શરૂ કરેલી લેબ અત્યંત ઉપયોગી નીવડશે. વધુમાં કલેક્ટરે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રોજના ૨૦૦ જેટલા ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો એટલે આ લેબ શરૂ થતાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. હોસ્પિટલના અધિકારીએ આ હાઈટેક ટેસ્ટિંગ લેબના સંદર્ભમાં કહ્યું હતું કે કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબ અદ્યતન સાધનોથી સજ્જ છે અને ૨૪ કલાકમાં અંદાજે ૨૦૦ જેટલા ટેસ્ટની ક્ષમતા ધરાવે છે જેથી ટેસ્ટિંગની ક્ષમતા વધશે.