જામનગર તા.૨૧
જામનગરના ખોજાબેરાજા ગામની વિવાદિત જમીન પડાવી લેવા માટે કેટલાક આસામીઓ સાથે પોલીસ સાઠગાંઠ કરી તે જમીનના માલિક તથા કબજેદારોને હેરાન-પરેશાન કરી નાખતી હોવાની રજૂઆત સાથે આજે રેલી યોજાઈ હતી ત્યાર પછી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જામનગરના જિલ્લા પોલીસવડા તથા પોલીસ વિભાગના અન્ય કેટલાક સામે નામ જોગ આક્ષેપ કરાતા ભારે ખળભળાટ મચી ગયો છે.
જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા રાજુભાઈ ગોગનભાઈ મોઢવાડિયા તથા જામનગર અને બીજા જિલ્લામાંથી આવેલા કેટલાક વ્યક્તિઓએ આજે જામનગરના જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ચોંકાવનારી રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ જામનગરના જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ અને પોલીસ સત્તાનો દૂરૂઉપયોગ કરી જમીન માફિયાઓના ઈશારે સિવિલ કોર્ટમાં ચાલતા કેસવાળી ખેતીની જમીનના કબજામાંથી ગરીબ ખેડૂતોને દૂર કરવા તજવીજ કરતા હોવાનું જણાવ્યું છે.ર
જામનગરના જિલ્લા પોલીસવડા વિરૂદ્ધ આવી રીતે ખૂલેઆમ કરાયેલા આક્ષેપ વચ્ચે આજે સવારે મેર સમાજની રેલી યોજાઈ હતી. જેમાં જોડાયેલા લોકોએ કલેકટર કચેરીએ પહોંચી ઉપરોકત આવેદનપત્ર રજૂ કર્યું હતું. જેમાં તેઓએ વિગતવાર જણાવ્યા મુજબ ખોજાબેરાજાના ખેડૂત ગોગનભાઈ કારાભાઈ મેરનો પરિવાર રે.સ.નં.૩૦૯ વાળી ખેતીની જમીન પર ૧૯૮૫ના વર્ષથી વસવાટ કરી રહ્યો છે તે જમીન ગુજરનાર ગોગનભાઈએ પૂરી રકમ ચૂકવી કબજો મેળવી ગાંડુ પટેલ પાસેથી ખરીદી હતી, પરંતુ અજાણ ખેડૂત એવા તથા પરસ્પર વિશ્વાસના આધારે જીવતા લોકોથી રજીસ્ટર્ડ દસ્તાવેજની પ્રક્રિયા બાકી રહી ગઈ હતી. જેનો ગેરલાભ ઉઠાવી આ જમીનનો દસ્તાવેજ ગીતાબેન મોહનભાઈના નામે થતા ગોગનભાઈએ વર્ષ ૨૦૧૨માં જામનગરની અદાલતમાં ગીતાબેન સામે કેસ કર્યો હતો જેમાં કબજાનું પંચનામું પણ કરાયું હતું.
આ કેસ ચાલુ હતો તે દરમ્યાન ઈકબાલ ઈબ્રાહીમ એરંડિયા, યુનુસ ઈબ્રાહીમ એરંડિયા, અસલમ ઈબ્રાહીમ એરંડિયા નામના ત્રણ વ્યક્તિઓના નામે ગીતાબેને દસ્તાવેજ કર્યો હતો જેથી ગોગનભાઈએ બીજો દાવો નોંધાવ્યો હતો. ચાલુ દાવાએ વર્ષ ર૦૧રમાં વાદી ગોગનભાઈનું મૃત્યુ થયું હતું. જમીનની સિવિલ મેટરમાં પોલીસે પડવાનું હોય જ નહીં તેમ છતાં નવેમ્બર મહિનાની બીજી તારીખે કેટલાક વ્યક્તિઓએ તે જગ્યા ખાલી કરાવવા આક્રમણ કર્યું હતું. જ્યારે કેટલાક વ્યક્તિઓએ એસપીને અરજી કરી હતી જેના અનુસંધાને ગઈ તા.૧-૧૧-૧૮ના દિને પોલીસે તે જમીન પાસે આવી કથિત રીતે ધમકી તથા નોટિસ આપી પરિવારે કબજો ખાલી કરવો પડશે તેમ કહી બે દિવસમાં આધાર પુરાવા સાથે હાજર થવા જણાવ્યું હતું જેના સીસીટીવી ફૂટેજ આજે કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તે પછી તા.રની સાંજે ધસી આવેલી પોલીસે વાડીમાં હાજર તમામ મુખ્ય પુરૂષોને ઉપાડી લીધા હતા તેના પણ ફૂટેજ રજૂ થયા છે.
આ ઉપરાંત પોલીસે કેટલીક મહિલાઓને ધમકાવ્યાના, જમીનનો કબજો સોંપી આપવાના, જમીનમાં પડેલો મગફળીનો પાક ઉપાડી લેવાના, જેસીબી મશીન બોલાવી મગફળીના ઢગલાઓ કરી દીધાના પણ સીસીટીવી ફૂટેજ તથા ફોટા રજૂ કરવામાં આવ્યા છે. જયારે તા.૫-૧૧, તા.૫-૧૨, તા.૯-૧રના દીને બે તેમજ તા.૭-૧રના દિવસે જમીન માફિયાઓ સામે પગલા લેવા માટે ગોગન કારાના વારસોએ રજૂઆતો કરી હોવાનું પણ જણાવ્યું છે તેમ છતાં આ પરિવારના જણાવ્યા મુજબ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. અવારનવારની રજૂઆતોથી રોષે ભરાયેલી પોલીસે ગઈ તા.રરની બપોરે ગુજરનાર ગોગનભાઈના બહેરા તથા મુંગા પુત્ર સવદાસ અને સંજય કે જેઓ નિદ્રાધીન હતા તેઓને ઉઠાડીને પોતાની સાથે ઉઠાવી લીધા હતા જેના પર સીસીટીવી ફૂટેજ રજૂ થયા છે.
આ પ્રકારનો ત્રાસ જો ચાલુ જ રહેશે તો આ પરિવારે તે જમીન પરનો પોતાનો માલિકી હકક અને કબજો જતો કરી હિજરત કરવી પડશે અથવા આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેવી પડશે તેવી ભીતિ સાથે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેના અંતમાં આવું કંઈ પણ થાય તો જામનગરના એસપી, પીએસઆઈ વાળા જવાબદાર ગણાશે તેવું પણ ઉમેરવામાં આવ્યું છે.