(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૮
ભરૂચ શહેરમાં કોંગ્રેસના ર૦ જેટલા કાર્યકરોએ આપેલા રાજીનામા મામલે જિલ્લા પ્રમુખે રાજીનામા સ્વીકારી લઈને કોંગ્રેસ વિરોધી નિવેદન મામલે ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી આપી છે. ભરૂચ શહેરમાં હાલ તો કોંગ્રેસના હિંદુ-મુસ્લિમ આગેવાનોએ પક્ષમાંથી રાજીનામા આપવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. જેમાં આઠ જેટલા હિંદુ કાર્યકરોએ એટલા માટે રાજીનામા આપ્યા હતા કે, ભરૂચમાં રથયાત્રા પર થયેલા પથ્થરમારામાં કોંગ્રેસ પક્ષના આગેવાનોએ કોઈ જ રજૂઆતો જિલ્લો તંત્રને કરી નથી તેથી કોંગ્રેસના આ વલણને પગલે રાજીનામા આપ્યા હતા, જ્યારે ૮થી વધુ મુસ્લિમ આગેવાનોએ એટલા માટે રાજીનામા આપ્યા હતા કે, હાલ દેશભરમાં બની રહેલા મુસ્લિમો પરના હુમલાની ઘટનામાં રજૂઆત કરવા માટે ભરૂચના આગેવાનો દ્વારા મૌનરેલીનું આયોજન કર્યું હતું. પક્ષમાંથી કોઈ પણ આગેવાને આ રેલીની મંજૂરી માટે આગળ નહીં આવતા અને તજવીજ નહીં કરતા અંતે ૧૦થી વધુ લઘુમતી આગેવાનોએ રાજીનામા આપ્યા હતા. આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિક્કી શોખીએ તમામ ર૦થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓના રાજીનામા સ્વીકારી લીધા હતા, અને ચોખ્ખા કડક શબ્દોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહએ કહ્યું હતું કે, અમે રાજીનામા સ્વીકાર કર્યા છે, તેમજ જો આગામી દિવસમાં કોંગ્રેસ વિરોધી કોઈ પણ નિવેદન કરશે તેવા કાર્યકર્તાઓને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે તેવી ચીમકી આપી દીધી હતી.