(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૩
જામનગર જિલ્લા પંચાયતની ગઈકાલે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં પત્રકારોને રિપોર્ટીંગ માટે પ્રવેશ બંધીના ડીડીઓના ફરમાનના કારણે પત્રકારોમાં રોષ ફેલાયો છે, પણ સાથે-સાથે આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી માટે નવી મોટરકાર ખરીદવા તથા નાયબ ડીડીઓ માટે એરકન્ડીશન મશીન ખરીદવા માટેના ઠરાવો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે. જાણવા મળતી વિગતો પ્રમાણે જિ.પં. પ્રમુખ તથા ડીડીઓની અત્યારે જે મોટરકાર છે તે ખૂબ જ સારી અને વર્કીંગ કન્ડીશનમાં છે તેમ છતાં લાખો રૂપિયાના ખર્ચે બે નવી નકોર કાર ખરીદવાની ઉતાવળ શા માટે ? પ્રજાના નાણાંનો વેડફાટ શા માટે ? તેવા પ્રશ્નો ઊઠવા પામ્યા છે તેમજ નાયબ ડીડીઓની ઓફિસમાં નવા એ/સીનો ખર્ચ ટીક્કા-ટીપ્પણી સાથે ચર્ચાઈ રહ્યો છે. ડીડીઓ/નાયબ ડીડીઓ જેવા ઉચ્ચ અધિકારીઓને પ્રવર્તમાન પગાર ધોરણો પ્રમાણે ખૂબ જ સારા પગાર મળે છે અને તેમના હોદ્દા પ્રમાણે સરકારના રહેણાંક, મોટર જેવા લાભો પણ મળે જ છે ત્યારે પ્રજાની તિજોરીમાંથી બેફામ નાણાં ખર્ચી વૈભવી ઠાઠ-માઠ માણવાના અભરખાંને મોટાભાગના અધિકારીઓને આદત બની ગઈ હોય તેમ જણાય છે તેમજ માત્ર એકાદ ટર્મ માટે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ પણ પ્રજાની સેવા માટે એ/સી કાર, એ/સી ઓફિસ જેવી સુવિધાઓ માટે તલપાપડ હોય છે. પણ… જ્યારે ચાલુ હાલતમાં હોય તેવી કાર કે અન્ય સાધનોથી ચલાવી લઈને કરકસર કરવાના બદલે ‘દલા તરવાડીની વાડી’ જેવા ખેલ લગભગ દરેક પ્રજાકીય સંસ્થાઓમાં જોવા મળે છે… જે ખરેખર પ્રજાની કમનસીબી છે !