અમદાવાદ, તા.૭
સાતમા પગાર પંચનો અમલ, ઓફિસર ઓન સ્પે. ડ્યુટી નાબૂદ કરવા, સ્ટાફ સેટઅપ સહિતની વિવિધ માગણીઓને લઈ જીઈબીના રાજ્યભરના ૧૬૦૦ જેટલા એન્જિનિયરો ધરણાં અને પ્રતિક ઉપવાસના કાર્યક્રમો શરૂ કરતાં વીજ તંત્રનું કામકાજ ઠપ્પ થઈ ગયું છે. તેઓએ જો તેમની માગણીઓ વહેલીતકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્ટાફ એસોસિએશને ઉચ્ચારી છે.
જીઈબીના સુરત, વડોદરા, બનાસકાંઠા, મોરબી જેવા શહેરોના એન્જિનિયર્સે મોરચો માંડ્યો છે. હડતાળની નોટિસના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા મથકે તથા તમામ પાવર સ્ટેશનોમાં કુલ ૩ર જગ્યાઓ ઉપર પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાયા છે. જેમાં ૧૬૦૦થી વધુ જીઈબીના સદસ્યો રજા મૂકીને પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. સાતમા પગાર પંચની પે-રિવીઝન સહિત અન્ય પ્રશ્નોના નિરાકારણ માટે એન્જિનિયર્સે જીયુવીએનએલને હડતાળની નોટિસ અગાઉ આપી હતી. જેનો ઉકેલ ન આવતા એન્જિનિયર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું. જેમાં વડોદરા, સુરત, બનાસકાંઠા, મોરબી, નર્મદા વિસ્તાર, સરદાર સરોવર, દક્ષિણ ગુજરાતના એન્જિનયર્સ ધરણા પર ઉતર્યા છે. હાલ વીજ મથકો બંધ હોઈ કોઈ સમસ્યા નથી. એન્જિનિયર્સના ધરણાંથી વીજ મથક ચાલુ કરવાની કામગીરીમાં વિલંબ થઈ શકે છે. સુરતના કાપોદ્રામાં ડીજીવીસીએલની કચેરી બહાર એન્જિનિયર્સે ધરણા કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં યુજીવીસીએલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
વડોદરામાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન વીજ કંપનીઓના ૩૦૦ એન્જિનિયર રેસકોર્સ ઓફિસ ખાતે ધરણાં પર ઉતર્યા છે. એન્જિનિયર્સો પગાર અને ઈન્ટર કંપની ફેરબદલ લાભ બાબતની માંગ કરે છે.