૧૪ જાન્યુઆરીના રોજ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ઉડાડવાની પરંપરા છે ત્યારે પતંગ રસીકોના આ શોખને પોષવા પતંગ, દોરીના વેપારીઓ મહિનાઓથી તૈયારી કરતા હોય છે અને ઉત્તરાયણના દિવસોમાં આખા વર્ષની કમાણી કરતા હોય છે. અમદાવાદ શહેરના જમાલપુર, રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાં પતંગ બજાર ભરાય છે ત્યાં ઉત્તરાયણના આગલા દિવસે મોટી સંખ્યામાં લોકો પતંગ-દોરી ખરીદવા ઉમટી પડે છે. ચાલુ વર્ષે પતંગોમાં જીએસટીની અસર પણ વર્તાઈ હતી. અમદાવાદ પતંગ મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ‘જીએસટી હટાવો, પતંગ ગૃહઉદ્યોગ બચાવો’ના સૂત્રો લખેલા પતંગો વેચાણમાં મૂકવામાં આવ્યા હતા. જે પતંગ રસીકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રસ્તુત તસવીર જમાલપુર અને રાયપુરમાં ભરાતા પતંગ બજારની છે જ્યાં પતંગરસિયાઓ પતંગની ખરીદી કરવા ઉમટી પડેલા જોવા મળે છે.