(સંવાદદાતા દ્વારા)
કેસરપુરા, તા.ર૮
સાબરકાંઠા જિલ્લાના ઇલોલ તળાવના રોશન અલી હોલ્ડાનું ૬૭ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અચાનક નિધન થવાથી જિલ્લાના મુસ્લિમોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મર્હૂમ રોશનઅલી જીલ્લામાં બહુજ પ્રખ્યાત મુસ્લિમ કાર્યકર હતા. જિલ્લાના મુસ્લિમોના પ્રશ્નોને વાચા આપવાની કે સંકલન સમિતિની મીટીંગ હોય તો અગ્રેસર રહી બખૂબી લોકોને માર્ગદર્શન પૂરૂં પાડતા. શીઆ જાફરી મશાયખી મોમિન જમાત ઈલોલ તળાવમાં મુખી તરીકે લગભગ સત્તાવીસ વર્ષથી સેવા આપી રહ્યા હતા. સમગ્ર શીઆ જાફરી મશાયખી મોમિન સમાજમાં એક અગ્રણી મુખી તરીકે એમનું નામ હતું. એમાં શીઆ જમાત સા.કાંના મુખીઓમાં અગ્રણી શુભચિંતક તરીકે એમણે અસ્મરણીય સેવાઓ આપી મોમિનોના દિલોમાં શુભેચ્છક સલાહકાર તરીકે અનેરી છાપ ઊભી કરી હતી. રાજકારણમાં પણ સક્રિયપણે કાર્યરત હતા. હાઈસ્કૂલમાં ટ્રસ્ટી તરીકે, તાલુકા પંચાયતમાં અને જમીન વિકાસ બેંક માં સદસ્ય તરીકે સેવા આપી છે. હાલમાં સરપંચના હોદ્દા ઉપર સેવા આપી રહ્યા હતા. એમની ઉદારતા એવી હતી કે સરપંચની આ ચૂંટણીમાં વિજેતા બન્યા પછી કટ્ટર હરીફ ઉમેદવારના ઘરે પરિણામના સાંજે ગયા હતા અને વિજય ઉત્સવ ન મનાવવા ટેકેદારોને જણાવી અમલ કર્યો હતો. એમના મ્રુત્યુના સમાચાર જાણ્યા પછી એમના પરિચિતોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હોલડા પરિવારના એક મોભી, ઇલોલ ગામના પનોતા પુત્ર અને આ વિસ્તારના મુસ્લિમ સમાજના એક સારા કાર્યકરના વિદાય થવાથી જે ખોટ પડી છે તે ગામ, સમાજ અને એમના પરિવારના માટે અસહનીય છે. અલ્લાહપાક એમની સેવાને કબૂલ કરી મગફેરત ફરમાવે તેવી સૌ દુવા ગુજારી રહ્યા છે.