(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૬
નાનપુરા ખાતે આવેલી જીવન ભારતી પ્રાથમિક સ્કૂલના પટ્ટાવાળા અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. જો કે, સ્કૂલમાં હજુ પણ શિક્ષકો અને અન્ય સ્ટાફ આવતા હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સ્કૂલના સંચાલકોને પટ્ટાવાળા અને તેની પત્નીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ જ ન હતી. જીવન ભારતી સ્કૂલમાં છેલ્લા ૨૦ વર્ષથી પટ્ટાવાળા તરીકે કામ કરતા ૪૩ વર્ષીય યુવક અને તેની પત્નીનો રિપોર્ટ ગત શનિવારના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સ્કૂલમાં પટ્ટાવાળાને કોરોના થયો હોવાની જાણ ન હતી. સ્કૂલમાં હાલ પણ શિક્ષકો અને અન્ય સ્ટાફ હાજર છે અને વાલીઓને ફી અને એડમિશન મુદ્દે બોલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કરતા આજે લગભગ મોટાભાગ શિક્ષકો અને પટ્ટાવાળા સહિતનો સ્ટાફ સ્કૂલમાં હાજર છે. સ્કૂલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પટ્ટાવાળા એ તો જાણ જ નથી કરી. આ તો અમારા ટ્રસ્ટીને આજે પાલિકાના આરોગ્ય વિભાગમાંથી જાણ કરાઈ ત્યારે ખબર પડી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે સ્કૂલના સંચાલકો સાથે તાત્કાલિક વાત કરી જરૂર પગલાં લેવામાં આવશે અને સ્કૂલને સેનિટાઈઝ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે નામ ન આપવાની શરતે એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શાળાના એક કર્મચારી અને તેની પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો હોય ૧૦૦ ટકા સ્કૂલ બંધ કરવી જોઈએ. સ્કૂલમાં વાલીઓને મેસેજ કરીને લેશન અને ફી મુદ્દે બોલાવવામાં આવી રહ્યા છે. જો કે, સ્કૂલના પટ્ટાવાળા અને તેની પત્નીને કોરોના હોવા છતા સ્કૂલના ગોળ-ગોળ જવાબ અનેકને પોઝિટિવ લાવી શકે છે. પોઝિટિવ આવ્યા હોવાની જાણ બાદ હવે મેઈન ગેટ બંધ કરી વાલીઓને બહારથી જ પરત મોકલી દેવામાં આવી રહ્યા છે.