(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૪
કોરોનાની મહામારીને લીધે હાલ દેશમાં ર૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. બીજી બાજુ કોરોના સામેની જંગ જીતવા માટે ડોક્ટર, પોલીસ અને સફાઈ કર્મીઓ સહિતના ઈમરજન્સી સેવાના કર્મીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. કોરોનાને લીધે હોમ ક્વોરન્ટાઈન કરાયેલા લોકો સાથે જે રીતે લોકો આભડછેટ રાખે છે. તેના લીધે તેમના પરિવારજનોને ઘણીવાર માનસિક આઘાત પહોંચે છે. માત્ર ૧૪ દિવસના હોમ ક્વોરન્ટાઈન અને ત્યારબાદ પણ લોકોને આભડછેટનો સામનો કરવો પડે છે. તો જે દલિતો વર્ષોથી આભડછેટની પીડા સાથે જીવી રહ્યા છે તેમનું દર્દ શું હશે ?? તેમ છતાં સામાન્ય લોકોને આ પીડામાંથી ઝડપથી મુક્તી મળે તે માટે સફાઈ કામમાં જોડાયેલા દલિતો તેમની ફરજ અદા કરી રહ્યા છે. દલિતોના મનમાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, કોરોના તો જીવલેણ છે તો તેના દર્દીથી આભડછેટ રાખવામાં આવે તે જરૂરી છે પણ દલિતો ક્યાં જીવલણે છે ? તો પછી એમની સાથે વર્ષોથી આભડછેટ કેમ ??

આભડછેટથી દલિતોને કેવી પીડા થાય તે હવે લોકોને ખબર પડી

અમદાવાદ શહેરમાં રહેતા સફાઈ કર્મચારી કમલેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ આવ્યો એટલે અમારી પીડા શું હોય તે હવે લોકોને ખબર પડી. વર્ષોથી અમે જે આભડછેટનો ભોગ બની રહ્યા છીએ તે આજે કોરોનાના દર્દી કે શંકાસ્પદ દર્દી સાથે થતો હોવાનું જોવા મળી રહ્યું છે. એટલે અમારૂ જે દુઃખ હતું તે આજે લોકોને સમજાયું હશે. જો કે, હાલ કોરોના વાયરસને લઈને અમે સફાઈ કર્મીઓ સતત કામ કરી રહ્યા છીએ. મારા પરિવારના સભ્યો એએમસીમાં સફાઈ કર્મી તરીકે ફરજ નિભાવે છે. તેમને કોઈપણ જાતના સેફ્ટીના સાધનો મળતા નથી. માત્ર આઈકાર્ડ આપી દેવાયું છે એટલે જીવના જોખમે પણ સફાઈ કર્મીઓ કામ કરી રહ્યા છે. તો તેમના માટે પણ સરકારે કંઈ વિચારવું જોઈએ.

હોમ ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થયા બાદ પણ લોકો આભડછેટ રાખે છે

જમાલપુરના હવેલી વિસ્તારમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીને સારવાર હેઠળ ખસેડાયા બાદ તેમના પરિવારજનો હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. જો કે, દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપી દેવાઈ છે. ત્યારે પરિવારજનો પણ હોમ ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થઈ ગયા છે. આ અંગે પરિવારના સભ્ય સુલેમાનભાઈ ઉમરભાઈ શેખે વાતચીતમાં જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈન કરાયા બાદ લોકો અમારી સાથે આભડછેટ રાખતા હતા. મારી પત્નીને કોરોના હોવાની શંકાને લીધે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હોમ ક્વોરન્ટાઈનમાં હું મારો દીકરો, પુત્રવધૂ અને પૌત્ર ઘરમાં હતા તે દરમ્યાન લોકો અમારી સાથે ભેદભાવ રાખતા હતા પરંતુ મારી પત્નીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અમને હાલ ક્વોરન્ટાઈનમાંથી મુક્ત કરી દીધા છે. ત્યારે હાલ પણ લોકો અમારી સાથે આભડછેટ રાખી રહ્યા છે. મારો અઢી વર્ષનો પૌત્ર પણ ઘરની બહાર જાય તો આસપાસના બાળકોને તેમના પરિવારજનો ઘરમાં લઈ જાય છે.

દલિતો સાથે થતી આભડછેટ દૂર કરવા હવે સમાજ અને સરકાર વિચારે

લોક સેવા સામાજિક સંસ્થાના સભ્ય અને દલિતો માટે કામ કરતા સામાજિક કાર્યકર પીયૂષ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્યમાં આભડછેટ દૂર કરવાનો કાયદો છે પરંતુ તેનો અમલ થતો નથી. આજે પણ દલિતો સાથે આભડછેટ રાખવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદના ગોમતીપુરમાં મકાન મામલે એક દલિત સમાજના નિવૃત્ત પોલીસ કર્મી સાથે જ ઝઘડો થયો હતો. જો ભણેલા ગણેલા લોકો આભડછેટ રાખતા હોય તો અન્યોની વાત જ શું કરવી ? હાલ કોરોના વાયરસને પગલે કોરોનાના દર્દી અને શંકાસ્પદ દર્દી સાથે આભડછેટ રખાય તે માનવામાં આવે. કેમ કે, કોરોના જીવલેણ છે પરંતુ દલિતો ક્યાં જીવલેણ છે ? જીવલેણ નથી છતાં કેમ વર્ષોથી દલિતો સાથે આભડછેટ રાખવામાં આવે છે ? કોરોનાને લીધે જે લોકો સાથે આભડછેટ રાખવામાં આવે છે. તે લોકોને હવે દલિતોની પીડા સમજાતી હશે. ત્યારે સમાજના દરેક વર્ગ અને સરકાર પણ દલિતો સાથે રખાતી આભડછેટને નાબૂદ કરવા કડક કદમ ઉઠાવે તે જરૂરી છે. પીયૂષ રાઠોડે કોરોના વાયરસને લઈને કામ કરી રહેલા સફાઈ કર્મીઓ અંગે જણાવ્યું હતું કે, સફાઈ કર્મીઓને કોઈપણ જાતના સેફ્ટી સાધનો અપાતા નથી. એટલે જીવના જોખમે તેઓ સફાઈ કામ કરી રહ્યા છે. તો સરકારે તેમની માટે યોગ્ય સેફ્ટી સાધનો પુરા પાડવા જોઈએ.