(એજન્સી) તા.ર૯
બોલીવુડ અભિનેતા ઈરફાનખાનનું બુધવારે ર૯ એપ્રિલે અવસાન થયું. મંગળવારે કોલન ઈન્ફેકશનના કારણે તેમને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા પછીથી જ તેમના આરોગ્ય અંગે અનેક પ્રકારની અફવાઓ હતી. જો કે, તેમની ટીમે જણાવ્યું હતું કે, તે સ્ટ્રોન્ગ છે અને લડી રહ્યા છે. પરંતુ બુધવારે ઈરફાનખાનનું અવસાન થઈ ગયું. ફિલ્મમેકર શુજીત સરકારે ટ્‌વીટ કરી તેમના પરિવારને સાંત્વના આપી છે. ઈરફાન પાછલા બે વર્ષથી કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. તેમને ન્યુરોઈન્ડોક્રાઈન ટ્યુમર હતું. આ ખતરનાક કેન્સરના ડાયગ્નોજ થયા પછીથી જ ઈરફાન લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. સારવાર દરમિયાન ઈરફાને ઘણા મુશ્કેલ દિવસો પણ જોયા. તેમણે સોશિયલ મીડિયામાં ઓપન લેટર લખી પોતાની પીડા વ્યક્ત કરી. હાલમાં જ પોતાની બીમારીની વાત કરતા ઈરફાનખાને આ પણ જણાવ્યું હતું કે, તેમના સૌથી ખરાબ સમયમાં તેમની પત્ની સુતાપા ઊભી રહી છે. ઈરફાને જણાવ્યું હતું કે, જો બીમારીએ મને જીવવાની તક આપી તો હું પત્ની સુતાપા માટે જીવવા ઈચ્છું છું. જણાવી દઈએ કે ઈરફાનખાને ૧૯૯પમાં સુતાપા સાથે નિકાહ કર્યા હતા. ઈરફાન અને સુતાપાના બે પુત્ર છે. મોટા પુત્રનું નામ બાબિલ છે અને નાનાનું અયાન.