(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૪
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા સરકારી બિલ્ડીંગમાં જુગારધામ પર પોલીસે રેડ પાડતા ભાગી રહેલા યુવાનનું બિલ્ડીંગ પરથી પડતાં મોત થયું હતું. જો કે, પોલીસે માર મારતા યુવાનનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને પોલીસ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર કર્યો છે. પરંતુ પોલીસે પરિવારજનોએ કરેલા તમામ આક્ષેપને ખોટા ગણાવ્યા છે. વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી ગરનાળા પોલીસ ચોકી સામે સરકારી બાંધકામમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે સિટી પોલીસની ટીમે જુગારધામ પર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન જુગાર રમતા દાનિશ શેખ નામનો યુવાન ધરપકડથી બચવા માટે પીવીસીની પાઈપ પકડીને ભાગવા ગયો હતો. જો કે, તે નીચે ઊતરે તે પહેલાં જ બિલ્ડીંગ પરથી નીચે પટકાયો હતો. જેથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન દાનિશ શેખનું મોત થયું હતું. જેને લઈને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મૃતકના માતા અને ભાઈએ આક્ષેપ કર્યો છે કે, પીએસઆઈ નીનામાએ રેડ દરમિયાન દાનિશને માથામાં અને પગમાં ડંડા માર્યા હતા. જેથી ઈજાગ્રસ્ત થયેલા દાનિશને પોલીસ સયાજી હોસ્પિટલમાં મૂકી જતી રહી હતી. ત્યારબાદ અમને ઘટનાની જાણ થતાં અમે હોસ્પિટલ દોડી ગયા, જ્યાં અમારા ગોલુનું મોત થયું હતું. પીએસઆઈ જે.ટી. નિનામાએ જણાવ્યું હતું કે, અમે રેડ પાડતા આરોપી ભાગવા ગયો હતો, તે દરમિયાન પીવીસીની પાઈપ પકડીને તે નીચે ઊતરવા જતો હતો, તે સમયે નીચે પડી ગયો હતો અને પગમાં વાગ્યું હતું, જેથી અમે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું મોત થયું હતું. પરિવારજનોએ પોલીસ પર કરેલા આક્ષેપો ખોટા છે.