(એજન્સી) તા.૮
મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા શરીફમાં આવેલી શાહી મસ્જિદના ઈમામ અબ્દુલ રહેમાન અલ સાઉદીએ જુમ્માની નમાઝ વખતે ખુત્બા દરમિયાન ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય કરી લેવાનું આહ્‌વાન કરતાં વિવાદનો મધપૂડો છંછેડા્યો હતો. પોતાના વિવાદિત ખુત્બા દરમિયાન શુક્રવારે તેમણે મુસ્લિમ ધર્મના લોકોને અન્ય ધર્મના લોકો સાથે સારી રીતે વર્તવા તથા તેમને માન આપવા જેવી વાતો કરી હતી અને તેમણે આ દરમિયાન પયગમ્બર (સ.અ.વ.) સાહેબ તથા યહૂદીઓ વચ્ચેના વાર્તાલાપનું પણ પુનરાવર્તન કર્યુ હતું. સઉદી અરબના ઈમામ સાઉદી એક વરિષ્ઠ ધર્મગુરુ છે. તેઓ મક્કા શરીફમાં આવેલી શાહી મસ્જિદના ઈમામ છે અને બે પવિત્ર મસ્જિદની તમામ બાબતોની જર્નલ પ્રેસિડેન્સી પણ તેમની પાસે જ છે. પોતાના ખુત્બા દરમિયાન ઈમામ સાઉદીએ કહ્યું હતું કે પયગમ્બર સાહેબ તેમના વખતમાં જુદા જુદા ધર્મના લોકો સાથે સંવાદ કરતા હતા. તેમણે કહ્યું હતું કે ઈસ્લામ ધર્મના અનુયાયીઓએ હવે સાચા અને ખોટા લોકો વચ્ચેના ભેદને સમજવાની જરૂર છે. જોકે ઈમામ સાહેબ દ્વારા કરવામાં આવેલી અન્ય ધર્મો સંબંધિત ટિપ્પણી આમ તો વિવાદિત નથી પરંતુ જે સમયે આ ટિપ્પણી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને જ વિવાદ છંછેડાયો છે. આ મામલે સોશિયલ મીડિયા પર અનેક લોકો ઈમામ સાહેબની સ્પીચ અંગે ચર્ચા કરવા લાગ્યા છે. કેટલાક લોકો તેને ઈઝરાયેલ સમર્થિત ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો કહે છે કે તેમની ટિપ્પણી સઉદી અરબનું ઈઝરાયેલ પ્રત્યે બદલાયેલું વલણ દર્શાવે છે. જોકે એક સોશિયલ મીડિયા યૂઝરે ટ્‌વીટ કરી હતી કે આ યહૂદીઓની ટ્‌વીટ છે કે અમે મક્કાના ઈમામને પ્રેમ કરીએ છીએ અને તેમની પ્રશંસા કરીએ છીએ. જોકે એક વ્યક્તિને ઈમામ સાહેબના ઉપદેશને શેર કરતાં નીચે કેપ્શન લખી હતી કે હું એક રબ્બી છું એટલે કે યહૂદીઓનો પૂજારી. હું કોઈ ઈમામ નથી. ઉમર ઈબ્ને અલ ખત્તાબ નામના યૂઝરે લખ્યું હતું કે આ ખરેખર દુઃખદ છે કે આપણા ઈમામ સાહેબે ઈઝરાયેલ સાથે સંબંધોને મહત્ત્વ આપ્યું છે અને તેની સાથે મજબૂત સંબંધો કરવાની વાત કરી છે.