(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.૨૧
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં કોવિડ-૧૯ ના કારણે ચાલુ વર્ષે જશને ઇદે મિલાદુન્નબી (સ.અ. વ.) નું ઝુલુસ તા.૩૦/૧૦/૨૦૨૦ , શુક્રવારે નહિ કાઢી મોકૂફ રાખવાનો નિર્ણય ધોળકા ખાતે તાજેતરમાં તાજદારે મદીના મસ્જિદમાં મળેલી જશને ઇદેમિલાદુન્નબી ( સ.અ. વ.) ઝુલુસ કમિટીની મિટિંગમાં લેવાયો હતો.આ મિટિંગ ઝુલુસ કમિટીના પ્રમુખ હઝરત મૌલાના મોહંમદયુસુફ નક્સબંદી અશરફી સાહેબના માર્ગદર્શન મુજબ મળી હતી.જેમાં ઝુલુસ કમિટીના તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. દરમિયાન આજે ધોળકા જશને ઇદે મિલાદુન્નબી (સ.અ. વ.) ઝુલુસ કમિટીના હોદ્દેદારો ઘાંચી શોએબમોહંમદ (એન્જિનિયર), રાધનપુરી અલ્લારખાભાઈ (લાટીવાલા), હઝરત મૌલાના મેહબુબહુસેન સાહેબ ( ઇમામ સાહેબ , ટાવર બજાર મસ્જિદ ), ફૈજુભાઈ મલેક (વેલ્ડીંગવાળા) અને મનસુરી અયાઝભાઈ ( ઘન્ટીવાળા) એ ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર,ડીવાયએસપી અને ટાઉન પીઆઈને એક લેખિત રજુઆત કરી ઇદે મિલાદનું ઝુલુસ મોકૂફ રાખ્યું હોવાની જાણ કરી હતી.આ રજુઆતમાં જણાવાયું છે કે ધોળકા શહેરમાં વર્ષોથી દર વર્ષે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ પયગમ્બર સાહેબ (સ.અ. વ.)ના જન્મદિવસ ઇદે મિલાદ નિમિત્તે શાનોશોકતપૂર્વક ભવ્ય અને શિસ્તબદ્ધ ઝુલુસ મુસ્લિમ સમાજ દ્વારા કાઢવામાં આવે છે.જેમાં વહીવટી તંત્ર,પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્રનો સારો સાથ સહકાર મળે છે.પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે સંક્રમણ ફેલાય નહિ તે માટે ધોળકા શહેર ઇદે મિલાદ ઝુલુસ કમિટિ દ્વારા સરકારશ્રી ની ગાઈડલાઈનનું પાલન કરીને તા.૩૦/૧૦/૨૦૨૦, શુક્રવારે ધોળકામાં ઇદે મિલાદનું ઝુલુસ નહિ કાઢી તેને મોકૂફ રાખવાનો ઝુલુસ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે.