જૂનાગઢ, તા. ૩૧
જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે જૂથ અથડામણનો બનાવ બનેલ હતો અને સામસામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર ગલીયાવડ ગામે રહેતાં ઈબ્રાહીમ ઓસમાણ સીડા(ઉ.વ.પ૪)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી મહંમદ ઉર્ફે હકુ ઈબ્રાહીમ સહિત ૧૪ શખ્સો વિરૂદ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ભાડે રાખેલી જમાતની દુકાન ખાલી કરાવવા બાબતે ફરિયાદી તથા સાહેદે આરોપીઓને કહેતાં આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી ફરિયાદી તથા સાહેદ ઉપર હુમલો કરતાં સાહેદ ફારૂક હુસેનને ઈજા પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ-૩૦૭, ૩ર૪ સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. જ્યારે આજ બનાવનાં અનુસંધાને ક્રોસ કમ્પ્લેન પણ થઈ છે. જેમાં મહંમદ ઉર્ફે હકુ ઈબ્રાહીમ (ઉ.વ.૪૪, રહે. ગલીયાવડવાળા)એ ઈબ્રાહીમ ઓસમાણ સહિત ૧૪ સામે એવી ફરિયાદ નોંધાવી છે કે ભાડે રાખેલી જમાતની દુકાન ખાલી કરાવવા પ્રશ્ને બોલાચાલી બાદ મામલો બિચકતાં ફરિયાદી તથા સાહેદ ઉપર જીવલેણ હુમલો કરતાં યાસીન ઉંમરને ઈજાઓ પહોંચાડેલ છે અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ-૩૦૭, ૩રપ, ૩ર૪ સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ લક્કડ ચલાવી રહ્યાં છે.