જૂનાગઢ, તા.રર
ધારી પંથકના ગીર પૂર્વમાં વધુ એક સિંહણનું મોત નીપજ્યું છે. ધારી પંથકના ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં ૪ સિંહના મોત થયા છે. ગઇકાલે જ ખાંભાના પીપળવા રાઉન્ડમાંથી ૧૧ વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ આજે દિવસે ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં ડંકીવાળા વિસ્તારમાં ૮ વર્ષની સિંહણનું મોત નીપજ્યું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વન વિભાગનું અનુમાન છે. જોકે સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે. સિંહના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. સિંહના વધતા જતા મોતના બનાવને લઇને વન વિભાગ ચિંતામાં મૂકાયુ છે.