(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ સરોવરમાંથી આજે એક આધેડનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર આજે સવારે નરસિંહ મહેતા સરોવરમાં કોઈ મૃતદેહ પડ્યો હોવાની જાણ ફાયર વિભાગ તેમજ પોલીસ વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ તકે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગનો સ્ટાફ તેમજ અબા કરીમ તેમજ અમીનભાઈ વગેરેએ પણ મદદરૂપ બની અને ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસનો કાફલો પણ બનાવના સ્થળે દોડી અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ આ અજાણ્યા મૃતદેહની ઓળખ અંગે ભાળ મેળવવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે અને વધુ વિગત મેળવાઈ રહી છે.
જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાના અરણિયાળા ગામે એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર અરણિયાળા ગામના ચંદ્રીકાબેન ગોવિંદભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)એ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. ગઈકાલે રાત્રિના ઈસરા ગામે મેળામાં જવાનું હોય આ બાબતે તેના પતિએ ના પાડતાં ચંદ્રીકાબેનને માઠું લાગી જતાં પોતાની મેળે મકાનના આડસરમાં સાડી બાંધી અને ગળાફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણેલ છે આ બનાવ અંગે મેંદરડા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.