જૂનાગઢ, તા.૭
ગત ગરૂવારે જૂનાગઢ શહેરના દોલતપરા ખાતેથી સ્પેશિયલ ગ્રુપ દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સીના વિદ્યાર્થીઓના બદલે ડમી વિદ્યાર્થીઓ બેસાડવા માટે બોગસ રિસીપ્ટ બનાવવાના કૌભાંડમાં આરોપીઓ રાજેશ ડાયાભાઈ ખાંટને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ પ્રવીણ પુંજાભાઈ સોલંકી આહીર (રહે.બાણસા ગામ) તથા આરોપી રાણાભાઈ હકાભાઈ ટાપરિયા ગઢવી (રહે.ભીમદેવળ ગામ, તા.કોડીનાર) સહિતના ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. આ બાબતે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીદર પ્રતાપસિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, ગુનાના મૂળ સુધી પહોંચવા, ગુનાની તપાસ જૂનાગઢ ડિવિઝનના ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવેલ છે. તેઓ દ્વારા ત્રણ જુદી જુદી ટીમો બનાવી હતી મુખ્ય સૂત્રધાર રાજેશ ગુજરાતી, આરોપી પ્રવીણ પૂંજાભાઈ સોલંકી તથા રાણાભાઈ હકાભાઈ ગઢવીને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જજ શ્રી રાણાએ આરોપીઓના ૩ દિવસનાં પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે. તપાસ હાથ ધરતાં મૂખ્ય સૂત્રધાર આરોપી રાજેશ ગુજરાતીને પકડાયેલ આરોપી પ્રવીણ સોલંકી દ્વારા ૧૩ રિસીપ્ટ, પકડાયેલ આરોપી રાણા ગઢવી દ્વારા ૩ રિસીપ્ટ, વોન્ટેડ આરોપી રણજિત ગઢવી દ્વારા ૭ રિસીપ્ટ અને પોતાની ૨૧ રિસીપ્ટ મળી, આશરે ૪૪ રિસીપ્ટ મેળવેલ, જેની ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાની હતી. આરોપી રાણા ગઢવી એક વિદ્યાર્થીના બદલે પોતે પરીક્ષામાં બેસવાનો હોઈ, એક ડુપ્લીકેટ રિસીપ્ટ પોતાના નામની બનાવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. વધુમાં પકડાયેલ આરોપી રાજેશ ગુજરાતી ટ્યુશન કલાસ ચલાવે છે અને પોતાને ટીબીની બીમારી હોઈ, રૂપિયાની જરૂરિયાત હોઈ, ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવાનું શરૂ કરેલ જ્યારે આરોપી રાણાભાઈ ગઢવી કંડકટર તરીકે એસ.ટી.માં નોકરી કરે છે. તેના પિતાને પેરાલિસીસની બીમારી હોઈ, રૂપિયા જરૂરિયાત હોઈ, પોતે જાતે પરીક્ષા આપવા લલચાયો હતો. તેમજ આરોપી પ્રવીણ સોંલકીને ખેતીની આવકમાં પૂરૂં થતું ના હોઈ, ડુપ્લીકેટ રિસીપ્ટ બનાવવામાં રૂા.૩,૦૦૦ મળતા હોય, તેથી આ કામ કરવા પ્રેરાયેલ હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. અંતમાં બોગસ રિસીપ્ટ પ્રકરણની પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ કેટલાંક શખ્સો સામે કાર્યવાહી થવાની શક્યતા છે.