જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને લાગણીપૂર્વક રજૂઆત કરી છે અને જૂનાગઢ શહેરના મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલ જેવી હોસ્પિટલ બનાવવા અનુરોધ કરેલ છે. જૂનાગઢ અને સોરઠ પંથક તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક એવા ધીરૂભાઈ અંબાણીનું વતનનો નાતો છે અને જૂનાગઢ શહેરમાં તો ધીરૂભાઈ અંબાણીના જૂના સંસ્મરણો અને સ્મૃતિઓ રહેલી છે. ત્યારે કોરોનાકાળમાં જૂનાગઢ અને આસપાસની જનતાને વધુ સારી સુવિધા આરોગ્યની પ્રાપ્ત થાય તે માટે એક અદ્યતન હોસ્પિટલ બનાવવાની લાગણી વ્યક્ત કરી છે. અદ્યતન હોસ્પિટલ જૂનાગઢના આંગણે જ હોય અને તમામ સારવાર જૂનાગઢ શહેરમાંથી મળી શકે તેવી સુવિધા અને મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલ જેવી જ જૂનાગઢના આંગણે હોસ્પિટલ શરૂ થાય તે માટે અનુરોધ કરવામાં આવેલ છે. મનપાના મેયર ધીરૂભાઈ ગોહેલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીને પાઠવેલા પત્રમાં જણાવેલ છે કે, ધીરૂભાઈ અંબાણીનું જન્મ સ્થળ ચોરવાડ જૂનાગઢ જિલ્લાનું છે તેમજ જૂનાગઢ સ્વામી વિવેકાંનદ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ પણ કરેલ છે અને જૂનાગઢમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા અને વ્યવસાયની શરૂઆત પણ જૂનાગઢ ખાતેથી કરી હતી જેથી જૂનાગઢની ભૂમિનું ઋણ આપના પરિવાર ઉપર છે, એમ પત્રમાં જણાવ્યું છે.