(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.રર
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે હુમલાના બનાવ બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર ભીયાળ રોડ ઉપર વડાલ ગામે રહેતાં રંજનબેન રાજેશભાઈ વઘેરા (ઉ.વ.૪૦)એ ડેરવાણના જશુ ભાટી, રૂડીબેનનો દીકરો મુન્નો અને બળવંત વગેરે સામે એવી ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપીઓ કાર લઈને ફરિયાદના ઘરે જઈ આરોપી જશુ ભાટી ફરીયાદીના ઘરમાં જઈ રંજનબેનને બિભત્સ શબ્દો કહી જ્ઞાતિ પ્રતયે હડધૂત કરી નિર્લજ હુમલો કરી વાળ પકડી ઝપાઝપી કરેલ. જેમાં રંજનબેનનું કાનનું સોનાનું બુટીયુ પડી ગયેલ અને તેઓને ઈજા પહોંચેલ. આ ત્રણેય આરોપીઓએ રંજનબેનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે સામા પક્ષે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જશુભાઈ ગંભીરભાઈ ભાટી (ઉ.વ.ર૮) રહે. ડેરવાણવાળાએ રાજુ વઘેરા, રાજુભાઈના બે દિકરા, મનસુખભાઈ, મનસુખભાઈના ભાઈના દીકરા યોગેશ તથા મનસુખભાઈના ભાઈના દીકરા મુકેશ (રહે. વડાલવાળા) વિરૂદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીને આરોપી રાજુ વઘેરાએ બોલાવેલ હોય જેથી ફરિયાદી આરોપીના ઘરે જતાં ઘરે કોઈ હાજર ન હોતું માત્ર સ્ત્રીઓ હાજર હતી. જેથી આરોપી આવી જતાં કેમ અમારા ઘરમાં ગયેલ તે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથિયારો ધારણ કરી ફરિયાદીને આડેધડ પાઈપ તથા કુહાડી વડે માથાનાં ભાગે કપાળમાં ઈજા કરી ફરિયાદીની મારૂતી ગાડીમાં તોડફોડ કરી નુકસાન કરી ગુનો કરેલ છે. આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધેલ છે. બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. વાઘમશી ચલાવી રહ્યાં છે.