(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૩૦
જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂનાગઢ શહેરમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન નવી હોસ્પિટલ શરૂ થવા જઈ રહી છે તે આવકાર્ય છે પરંતુ તેની સાથે જૂનાગઢ શહેરમાં નવાબી સમયથી જે સરકારી સિવિલ હોસ્પિટલ કાર્યરત છે તેની સુવિધા ઝુંટવાઈ રહી હોવાની પ્રતિતિ થઈ રહી છે તેમ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા આઠ દાયકા કરતા વધુ સમયથી જૂનાગઢની આ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર તથા રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર, ઉપલેટા તાલુકા અને જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ ગણાતી હતી. સંપૂર્ણ સરકારી ગ્રાન્ટ સાથે ચાલતી આ સિવિલ હોસ્પિટલ ગરીબોની જીવાદોરી ગણાય છે ત્યારે તેને બંધ કરવાની જે હિલચાલ થઈ રહી છે તે સ્વીકાર્ય નથી. જૂનાગઢની હયાત સિવિલ હોસ્પિટલ તેની વર્તમાન સુવિધાઓ સાથે ચાલુ રહેવી જ જોઈએ અને તે માટે વિધાનસભાના સત્રમાં પણ તેઓ આ પ્રશ્ન ઉઠાવશે તેમ ભીખાભાઈ જોશીએ જણાવ્યું છે. દરમિયાનમાં અગાઉ રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ અન્ય મોટા શહેરોમાં પણ જ્યારે જ્યારે મેડિકલ કોલેજ શરૂ થઈ છે ત્યારે હયાત સિવિલ હોસ્પિટલને બંધ કરવાના બદલે તે જ સ્થિતિમાં તેને ચાલુ રાખવામાં આવી છે ત્યારે જૂનાગઢમાં વર્તમાન સિવિલ હોસ્પિટલ બંધ કરીને વધુ એક સુવિધા ઝુંટવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તે સાંખી લેવાશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં એવું જાણવા મળેલ છે કે જૂનાગઢની હયાત સિવિલ હોસ્પિટલ સાથે જીએનએમ નર્સિંગ કોલેજ પણ જોડાયેલી છે. શું નર્સિંગ કોલેજનું પણ સ્થળાંતર થવાનું છે ? તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજું સિવિલ હોસ્પિટલમાંથી જૂની અને બંધ સાધનસામગ્રી અને મેડિકલ ઈક્વિપમેન્ટ નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહેલ છે તેનું શું ઔચિત્ય હોઈ શકે ? તે સમજાય તેવું નથી. વળી નવી હોસ્પિટલમાં પણ હજુ કામગીરી અધૂરી છે તેમ છતાં અગમ્ય કારણોસર તેને જલ્દી શરૂ કરી દેવાની બિનજરૂરી ઉતાવળ થઈ રહી છે. ઓટો લોન્ડ્રી વિભાગનું ઓટોકલેવ મશીન વગેરે નવી હોસ્પિટલમાં ખસેડાઈ રહ્યા છે. જે કાયદાની જોગવાઈ વિરૂદ્ધનું છે. આ અંગે તેઓ રાજ્ય સરકારમાં ઉગ્ર રજૂઆતકરશે તેમ ધારાસભ્ય જોશીએ જણાવ્યું છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને આરોગ્ય પ્રશ્ને રામભરોસે રાખવાનું કાવતરૂં ઘડાઈ રહ્યું છે તે પ્રશ્ને શહેરના આગેવાનો એનજીઓ સામાજિક સંસ્થાઓ શા માટે ચૂપ છે ? તેવો વેધક સવાલ પણ ઉઠાવ્યો છે.