(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.રપ
જૂનાગઢની પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેથી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મૃતક યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર અમદાવાદમાં ચાંદલોડિયા, ગુરૂકૃપા સોસાયટી, વિભાગ-ર અર્જુન આશ્રમની સામે રહેતાં મનસુખભાઈ કરશનભાઈ રાઘવાણી (ઉ.વ.પ૪)એ યોગેશ ચુનીલાલ રામપરિયા (રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢ) ચુનીભાઈ ટપુભાઈ રામપરિયા તથા દયાબેન ચુનીભાઈ રામપરિયા (રહે. બંને ઈશનપુર, અમદાવાદ) વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીની મૃતક દિકરી ઉષાબેન યોગેશભાઈ (ઉ.વ.ર૯)ને આ આરોપીઓએ માર મારી બિભત્સ શબ્દો કહી અવારનવાર ત્રાસ આપી મરવા મજબૂર કરી ગુનો કરેલ હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બનાવની વધુ તપાસ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. મારૂ ચલાવી રહ્યા છે.
ઉપરાંત જૂનાગઢમાં પરિણીતાને સાસરિયા તરફથી ત્રાસ અપાતો હોવાની વધુ બે ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં મધુરમ બાયપાસ, અદીતીનગર-૧, બ્લોક નં.૩પમાં રહેતાં આશાબેન જોઈભાઈ એ તેમનાં પતિ જોઈભાઈ ઈશ્વરભાઈ, ઈશ્વરભાઈ (સસરા), શોભાબેન (સાસુ), ડેનીશભાઈ ઈશ્વરભાઈ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે કે, ફરિયાદીને તેના પતિ, સાસુ, સસરા અને દીયર કરિયાવર બાબતે તથા રસોઈ બાબતે મેણાટોણા મારી, બિભત્સ શબ્દો કહી, અસહ્ય માર મારી, શારીરિક, માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો છે. આ અંગે મહિલા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.