(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ,તા.૭
જૂનાગઢ ટીંબાવાડી વિસ્તારમાં એક પ્લોટ પેટે રૂપિયા લઈ અને ત્યારબાદ જમીનનો દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ગિરીરાજ મેઈન રોડ, નટરાજ એપાર્ટમેન્ટમાં રહેતાં દિપકભાઈ કનુભાઈ ઠાકર (ઉ.વ.પપ)એ શૈલેષગીરી મોહનગીરી મેઘનાથી (રહે.રાધાનગર ગિરનાર દરવાજા પાસે) તથા જલ્પાબેન જયેશભાઈ ગોસ્વામી (રહે.રાજકોટ), નિશાંત મોહનગીરી મેઘનાથી (રહે.રાધાનગર ગિરનાર દરવાજા પાસે) તેમજ વર્ષાબેન શૈલેષગીરી મેઘનાથી (રહે.રાધાનગર ગિરનાર દરવાજા પાસે વાળા) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે એપ્રિલ ર૦૧૮થી ર૯/૮/ર૦૧૮ દરમ્યાનનાં સમયગાળાથી બનેલાં બનાવમાં શૈલેષગીરી મોહનગીરી મેઘનાથી તથા તેને પાવર ઓફ એટર્ની આપનાર બધા સાથે મળીને અગાઉથી પ્લાન કરી ફરિયાદ પાસેથી રૂા.૭૭ લાખ રોકડા તથા આરટીજીએસ કરેલ રૂા.ર૯ લાખના બે ચેક જેનાં રૂા.પ૮ લાખ અને દસ્તાવેજ કરવા માટે આપેલ રૂા.૬ લાખ રોકડા તેમજ સુથી પેટે આપેલ રૂા.૪૦ લાખ અને શૈલેષગીરીને કહેવાથી હરસુખભાઈ ઉર્ફે હસુભાઈ ટીટાને આપેલ રૂા.૪૦ લાખ આમ કુલ રૂા.ર કરોડ ર૧ લાખ રૂપિયાની રકમ શૈલેષગીરીએ ફરિયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ પેમેન્ટ મેળવી લીધેલ અને ટીંબાવાડી અમૃતધામમાં સર્વે નં.૧૪૧ પૈકીનાં પ્લોટ નં.૩૬ની જમીન ૬૯૯.૩૧ ચો.મીટર અને પ્લોટ નં.૩ની જમીન પ૧૯.ર૦ ચોરસ મીટર જે જમીન ૧૩પપ.પ૭ વારનો દસ્તાવેજ નહીં કરી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ અંગે વધુ તપાસ આરઆરસેલના પીએસઆઈ ડી.બી.પીઠીયા ચલાવી રહ્યાં છે.