જૂનાગઢ, તા. ર૬
જૂનાગઢ શહેરમાં ગાંધીચોક નજીક બનેલાં એક બનાવમાં અગાઉના મનદુઃખે માર માર્યાની ફરિયાદ રાજકોટનાં રહેવાસીએ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નટુભાઈ દિનેશભાઈ કુંવરિયા (ઉ.વ.રપ, રહે. રાજકોટ) એ અરવિંદ રાઠોડ મારવાડી, તેની પત્ની ધરતીબેન અરવિંદભાઈ મારવાડી તથા તેનો મિત્ર ધવલભાઈ (રહે. ઘંટેશ્વર રાજકોટવાળા) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપીને ફરિયાદીની પત્ની સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો. જે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદી તથા આરોપીઓ ગાંધીચોકમાં ભેગા થઈ જતાં ફરિયાદીએ આરોપીને ચા પીવાની સલાહ કરતાં આરોપીઓ આવેલ અને ફરિયાદીની પત્નીને કહેલ કે મારે તારી સાથે લગ્ન કરવા છે જે બાબતે બંનેને બોલાચાલી થયેલ. જેમાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલ અને ત્યાં ઝપાઝપી થતાં પતિ-પત્નીએ ફરિયાદીને લોંખડની પાઈપ તેમજ ઢીકાપાટુ વડે મારમારેલ તેમજ અરવિંદે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કે.એમ. દાફડા ચલાવી રહ્યા છે.

કેશોદમાં નજીવી બાબતે હુમલાનો બનાવ

કેશોદ ખાતે છરી વડે હુમલાનો બનાવ બનેલ છે જેમાં રામભાઈ હમીરભાઈ પરમાર (ઉ.વ.૩ર)એ નગાભાઈ હાજાભાઈ ઓડેદરા (ંરહે.કેશોદ પ્રજાપતિ ધારવાળા) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે નગાભાઈ ફરિયાદીના કાકાના દિકરા કરશનભાઈ મનસુખ પરમારની દુકાને અવારનવાર માવો ખાવા આવતો હોય અને તેમની પાસે માવાના પૈસા માગતા આરોપી ઉશ્કેરાઈ જઈ બિભત્સ શબ્દો કહી છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કેશોદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે.