જૂનાગઢ,તા.ર૯
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક ગત મોડી રાત્રે કેટલાક શખ્સો બર્થડે પાર્ટી હોવાથી શર્ટ કાઢી રસ્તાની પાસે ગાળો બોલી રહ્યાં હતા. રાત્રીના સમયે રસ્તા નજીક આ શખ્સોએ ધમાલ મચાવતાં હોવાથી વોર્ડ નં.પના ભાજપના કોર્પોરેટર રાકેશભાઈ રસિકભાઈ ધુલેશિયા ત્યાં ગયા હતા અને રસ્તા ઉપર ગાળો બોલવાની ના પાડી હતી. આથી આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને નગરસેવક રાકેશભાઈને ગાળો આપી બેફામ રીતે માર માર્યો હતો. જેમાં નગરસેવકને ઈજા થઈ હતી. ત્યાં લોકો એકત્ર થઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી ત્યાં સુધીમાં આ શખ્સો નાસી ગયા હતા પરંતુ તેની કાર ત્યાં પડી હોવાથી ટોળાએ કારના કાચ તોડી નાખ્યા હતા. આ બનાવ અંગે ભાવેશ રસીકભાઈ ધુલેશિયાએ જીજ્ઞેશ કાંતીલાલ રાઠોડ, ધવલ જગદીશભાઈ, વિવેક અરૂણભાઈ, રોનકભાઈ, તુષાર ટાટમિયાં, પાર્થ પ્રવિણભાઈ, દેવા પરમાર મેર તેમજ બીજા બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બે શખ્સોને સંકજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે.